<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

પ્રશાંત કિશોરના ‘જન સૂરજ’ના આથમી રહ્યા છે વળતા પાણી? ભોજપુરી સુપરસ્ટાર રિતેશ પાંડેએ આપ્યું રાજીનામું; કહ્યું- “પાર્ટીમાં કામ કરવું હવે અશક્ય”

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ‘પીકે’ (PK) ને લાગ્યો મોટો ઝટકો: કરગહર બેઠક પર પછડાટ ખાધા બાદ સિંગર રિતેશ પાંડેએ ફાડ્યો છેડો, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઠાલવી વ્યથા

પટણા : બિહારના રાજકારણમાં મોટા ફેરફારો લાવવાનો દાવો કરનાર પ્રશાંત કિશોરની ‘જન સૂરજ’ પાર્ટીને આજે મોટો ફટકો પડ્યો છે. લોકપ્રિય ભોજપુરી ગાયક અને નેતા રિતેશ પાંડેએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને સનસનાટી મચાવી દીધી છે. રિતેશ પાંડેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષના સક્રિય સભ્ય તરીકે કામ કરવાનું હવે તેમના માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
 રિતેશ પાંડે ૧૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ મોટી આશાઓ સાથે પ્રશાંત કિશોર સાથે જોડાયા હતા. પાર્ટીએ તેમને રોહતાસ જિલ્લાની કરગહર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, વિધાનસભા ચૂંટણીના પરિણામો તેમના માટે અત્યંત નિરાશાજનક રહ્યા હતા. જેડીયુ (JDU) ના વશિષ્ઠ સિંહ સામે રિતેશ પાંડેનો કારમો પરાજય થયો હતો. જ્યાં જેડીયુને ૯૨ હજારથી વધુ મત મળ્યા હતા, ત્યાં રિતેશ પાંડે માત્ર ૧૬,૨૯૮ મતોમાં જ સમેટાઈ ગયા હતા.
રિતેશ પાંડેએ 'X' પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, "એક જવાબદાર ભારતીય તરીકે હું જન સૂરજમાં જોડાયો હતો. ચૂંટણીના પરિણામો ભલે અનુકૂળ ન આવ્યા હોય, પણ મેં મારું કામ પૂરી પ્રામાણિકતાથી કર્યું છે. પરંતુ હવે સક્રિય રાજકારણી તરીકે આગળ વધવું મુશ્કેલ છે, તેથી હું રાજીનામું આપી રહ્યો છું." તેમણે પોતાના ચાહકોનો આભાર માનતા કહ્યું કે એક ખેડૂત પરિવારના છોકરાને જનતાએ જે પ્રેમ આપ્યો છે તે સદાય યાદ રહેશે.
બિહારમાં નવી રાજકીય લહેર ઉભી કરવાનો પ્રયાસ કરી રહેલા પ્રશાંત કિશોર માટે રિતેશ પાંડેનું રાજીનામું ચિંતાનો વિષય છે. ચૂંટણીમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન થયા બાદ હવે પાર્ટીના જાણીતા ચહેરાઓ એક પછી એક છેડો ફાડી રહ્યા છે, જે જન સૂરજના ભવિષ્ય સામે સવાલો ઉભા કરે છે.

(8:11 PM IST)