કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
ટીમ ઈન્ડિયાના ‘ગબ્બર’ના ઘરે ફરી ગુંજશે શરણાઈ: શિખર ધવને આઇરિશ સુંદરી સોફી શાઈન સાથે કરી સગાઈ; છૂટાછેડાના ૩ વર્ષ બાદ ક્રિકેટરના જીવનમાં પાછો ફર્યો પ્રેમ
“સ્મિતથી સપના સુધી”: ઈન્સ્ટાગ્રામ પર હીરાની વીંટી શેર કરી ધવને દુનિયાને આપી ખુશખબર; ફેબ્રુઆરી ૨૦૨૬માં દિલ્હીમાં યોજાશે ભવ્ય લગ્ન; જાણો કોણ છે ધવનની નવી લાઈફ પાર્ટનર સોફી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવનના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શિખર ધવને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે સગાઈ કરી લીધી છે. લાંબા સમયના છૂટાછેડાના ગમગીન સમય બાદ ધવનના જીવનમાં ફરી એકવાર ખુશીઓએ દસ્તક આપી છે. સોમવારે સાંજે ધવને ઈન્સ્ટાગ્રામ પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરતા ચાહકોએ તેને વધામણીઓ આપી હતી.
શિખર ધવને સોફી સાથેનો એક ભાવુક ફોટો શેર કર્યો છે, જેમાં સોફીના હાથમાં હીરાની ભવ્ય વીંટી જોવા મળી રહી છે. આ તસવીરની પાછળ લાલ ગુલાબ અને મીણબત્તીઓથી બનેલું એક સુંદર હૃદય દેખાય છે. ધવને કેપ્શનમાં લખ્યું, "સ્મિતથી સપના સુધી... અમારી સગાઈ પર મળેલા પ્રેમ અને આશીર્વાદ માટે હું આપ સૌનો આભારી છું. અમે હંમેશા સાથે રહેવાનું નક્કી કર્યું છે."
સોફી શાઈન મૂળ આયર્લેન્ડની (Irish) વતની છે અને છેલ્લા એક વર્ષથી વધુ સમયથી શિખર ધવનને ડેટ કરી રહી છે. ખાસ વાત એ છે કે સોફી માત્ર ધવનની મંગેતર જ નથી, પરંતુ તે 'શિખર ધવન ફાઉન્ડેશન' (NGO) ના કામકાજમાં પણ સક્રિયપણે મદદ કરે છે. બંનેના સંબંધોને હવે તેમના પરિવારે પણ લીલી ઝંડી આપી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શિખર અને સોફીના લગ્ન આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી ૨૦૨૬ ના ત્રીજા અઠવાડિયામાં દિલ્હી-એનસીઆરમાં યોજાય તેવી શક્યતા છે. આ લગ્ન સમારોહ અત્યંત ભવ્ય હશે જેમાં ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ હાજરી આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિખર ધવનના પહેલા લગ્ન ૨૦૧૨ માં ઓસ્ટ્રેલિયન મૂળની આયેશા મુખર્જી સાથે થયા હતા. જોકે, ૨૦૨૧ માં તેમના સંબંધોમાં તિરાડ પડી હતી અને ૨૦૨૩ માં દિલ્હીની કોર્ટે સત્તાવાર રીતે તેમના છૂટાછેડા મંજૂર કર્યા હતા. આયેશા સાથે ધવનને એક પુત્ર છે, જેનું નામ ઝોરાવર છે અને તે હાલમાં તેની માતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. હવે સોફી સાથે નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહેલા ગબ્બરને જોઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
