<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

રેલવેની નવી ક્રાંતિ: ‘વંદે ભારત સ્લીપર’માં હવે કોઈ VIP ક્વોટા નહીં, દરેકને મળશે કન્ફર્મ બર્થ; રાજધાની એક્સપ્રેસને પણ ટક્કર આપશે આ સુવિધાઓ

વેઈટિંગ લિસ્ટ અને RAC ની ઝંઝટનો અંત: ગુવાહાટી-કોલકાતા વચ્ચે દોડશે દેશની પહેલી સ્લીપર વંદે ભારત; પ્રાદેશિક ભોજન, ઓટોમેટિક દરવાજા અને લક્ઝરી બેડરોલ સાથેની મુસાફરી હવે બજેટમાં

નવી દિલ્હી: ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે મંત્રાલય તરફથી અત્યાર સુધીના સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. લાંબા અંતરની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે વંદે ભારત સ્લીપર ટ્રેન હવે પાટા પર દોડવા માટે સજ્જ છે. આ મહિનાના અંતમાં ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવામાં આવશે, જે મુસાફરીના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે.
 આ ટ્રેનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ પ્રકારનો VIP ક્વોટા, ઈમરજન્સી ક્વોટા કે વરિષ્ઠ અધિકારીઓ માટેની કોઈ ખાસ પરવાનગી રહેશે નહીં. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો જ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. આ નિર્ણયથી સામાન્ય મુસાફરો માટે કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જશે અને ટિકિટિંગ પ્રણાલી વધુ પારદર્શક બનશે.
 સામાન્ય રીતે ટ્રેનોમાં RAC  હેઠળ એક બર્થ પર બે મુસાફરોએ બેસવું પડતું હોય છે, પરંતુ વંદે ભારત સ્લીપરમાં આ સિસ્ટમ હટાવી દેવામાં આવી છે. દરેક મુસાફરને રેલવે દ્વારા સંપૂર્ણ બર્થ ફાળવવામાં આવશે. આ ઉપરાંત, મુસાફરોને પ્રીમિયમ ક્વોલિટીના ગાદલા, ચાદર અને બ્લેન્કેટ કવર આપવામાં આવશે, જે રાજધાની એક્સપ્રેસ કરતા પણ વધુ ગુણવત્તાયુક્ત હશે.
આ ટ્રેનમાં કુલ ૧૬ કોચ હશે, જેમાં ૮૨૩ મુસાફરોની ક્ષમતા છે. મુસાફરોને પ્રાદેશિક સ્વાદ પીરસવા માટે ટ્રેનમાં ખાસ સ્થાનિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાડાની વિગત (ગુવાહાટી થી કોલકાતા):
• AC 3-Tier: ₹૨,૩૦૦
• AC 2-Tier: ₹૩,૦૦૦
• AC First Class: ₹૩,૬૦૦
(નોંધ: ભોજનનો ખર્ચ ભાડામાં સામેલ છે અને આમાં કોઈ 'ડાયનેમિક ફેર' એટલે કે કિંમતમાં વધઘટ થશે નહીં.)
આધુનિક ટેકનોલોજી અને સુરક્ષા: ટ્રેનમાં અર્ગનોમિક બર્થ (શરીરને આરામ આપે તેવી ડિઝાઈન) અને ઓટોમેટિક દરવાજા જેવી આધુનિક સુવિધાઓ છે. ઉત્તર-પૂર્વ ભારત માટે આ ટ્રેન ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે તે પૂર્વ ભારત સાથેના જોડાણને વધુ ઝડપી અને સુવિધાજનક બનાવશે

(9:20 PM IST)