પાકિસ્તાનને લાગ્યો ભારતનો ‘ઓપરેશન સિંદૂર’નો ડર: નવાઝ શરીફના નિકટના સાથી નજમ સેઠીની મોટી કબૂલાત; “ભારતની મૌન શાંતિને હળવાશથી ન લેતા, તે ગમે ત્યારે કરી શકે છે અચાનક હુમલો”
“પરંપરાગત યુદ્ધમાં અમે ભારતને ક્યારેય હરાવી શકીએ તેમ નથી”: પાકિસ્તાની વિશ્લેષકે બાંગ્લાદેશને પણ આપી ચેતવણી; એસ. જયશંકરની રણનીતિને ‘બાજ’ જેવી ગણાવી કહ્યું- ભારત એક મહાશક્તિ છે તે સાબિત કરીને જ જંપશે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નજીકના ગણાતા અને જાણીતા રાજકીય વિશ્લેષક નજમ સેઠીએ એક ખાનગી ચર્ચા દરમિયાન ભારતની વધતી શક્તિ અને આક્રમક વિદેશ નીતિ અંગે સનસનાટીભર્યા નિવેદનો કર્યા છે. સેઠીએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશ દ્વારા ભારત વિરુદ્ધ જે ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવી રહ્યા છે, તેનો ભારત ચોક્કસપણે જડબાતોડ જવાબ આપશે. તેમણે ભારતની આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ જેવું નામ આપીને પાકિસ્તાની શાસકોને ચેતવ્યા છે.
: નજમ સેઠીએ કહ્યું કે, બાંગ્લાદેશની નવી સરકાર જે રીતે ભારતની ‘સાત બહેનો’ (ઉત્તર-પૂર્વીય રાજ્યો) ને લઈને વિવાદિત ટિપ્પણીઓ કરી રહી છે, તેને નરેન્દ્ર મોદી સરકાર ક્યારેય અવગણશે નહીં. તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપતા કહ્યું કે, જેમ ભારતે પાકિસ્તાનમાં આતંકી છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને કોઈને ભાગવાનો પણ સમય નહોતો આપ્યો, તેવી જ રીતે ભારત બાંગ્લાદેશ સામે પણ અચાનક કોઈ મોટું ઓપરેશન પાર પાડી શકે છે.
સેઠીએ પાકિસ્તાનની પરમાણુ નીતિ પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે સમજાવ્યું કે પાકિસ્તાન ક્યારેય ભારત પર પહેલા પરમાણુ હુમલો કરી શકે તેમ નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન રક્ષણાત્મક સ્થિતિમાં છે. તેમણે સ્વીકાર્યું કે, "આપણે પરંપરાગત યુદ્ધમાં ભારતનો સામનો કરવાની ક્ષમતા ધરાવતા નથી. આપણને ભારત સામે હારવાનો કાયમી ડર છે."
ચર્ચામાં નજમ સેઠીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજની રણનીતિ સાથે કરી હતી. તેમણે અફઝલ ખાનના વધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જયશંકરની રણનીતિ પણ એવી જ છે—તેઓ હાથ મિલાવે છે પરંતુ તે કટ્ટર રાષ્ટ્રવાદી છે અને દેશના હિત માટે કોઈ પણ હદે જઈ શકે છે. સેઠીએ ઉમેર્યું કે ભારત હવે એક મોટી વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે અને તે સાબિત કરવા માટે તે કોઈ પણ ઉશ્કેરણીને સાંખી લેશે નહીં.
બાંગ્લાદેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસે ચીનની મુલાકાત દરમિયાન ભારતના પૂર્વોત્તર રાજ્યોને ‘લેન્ડલોક્ડ’ ગણાવ્યા હતા, જેના પર ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. હિમંતા બિસ્વા શર્મા અને એસ. જયશંકરે આ નિવેદનોની નિંદા કરી છે. નજમ સેઠીના મતે, આ જ એ કારણો છે જે ભારતને બાંગ્લાદેશ વિરુદ્ધ કડક લશ્કરી કે રાજદ્વારી પગલાં લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
