<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

દિલ્‍હી ઠંડુગારઃ પારો ૩ ડિગ્રી સુધી ગગડતા ૧૩ વર્ષનો રેકોર્ડ તૂટયો

પંજાબ-હરિયાણામાં ‘રેડ એલર્ટ' અને દિલ્‍હીમાં ‘ઓરેન્‍જ એલર્ટ' વચ્‍ચે જનજીવન ઠપઃ પાલમમાં તાપમાન ગગડીને ૩ ડિગ્રીએ પહોંચ્‍યું: ૧૮ થી ૨૧ જાન્‍યુઆરી દરમિયાન વરસાદની સંભાવના

નવી દિલ્‍હી, તા.૧૩: રાષ્‍ટ્રીય રાજધાની દિલ્‍હી અને સમગ્ર ઉત્તર ભારતમાં અત્‍યારે હાડ થીજવતી ઠંડીએ હાહાકાર મચાવ્‍યો છે. દિલ્‍હીના પાલમ વિસ્‍તારમાં તાપમાન ગગડીને ૩ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી ગયું છે, જે છેલ્લા ૧૩ વર્ષનો સૌથી નીચો પારો છે. અગાઉ જાન્‍યુઆરી ૨૦૧૩માં તાપમાન આ સ્‍તરે પહોંચ્‍યું હતું. હવામાનશાષાી ડૉ. નરેશ કુમારના જણાવ્‍યા અનુસાર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થયેલી હિમવર્ષાને કારણે ત્‍યાંથી ફૂંકાતા બર્ફીલા પવનો સીધા મેદાની વિસ્‍તારોમાં પ્રવેશી રહ્યા છે. આ પરિસ્‍થિતિને કારણે પંજાબ, હરિયાણા અને રાજસ્‍થાનમાં તાપમાન ૧ થી ૨ ડિગ્રીની વચ્‍ચે નોંધાયું છે, જેને પગલે હવામાન વિભાગે ત્‍યાં રેડ એલર્ટ અને દિલ્‍હી-NCR માટે ઓરેન્‍જ એલર્ટ જાહેર કર્યું છે.

આ રેકોર્ડબ્રેક ઠંડીનું વૈજ્ઞાનિક કારણ સમજાવતા ડૉ. કુમારે જણાવ્‍યું હતું કે, હાલમાં કોઈ મજબૂત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સક્રિય ન હોવાથી પહાડો પરથી આવતા ઠંડા પવનો કોઈપણ અવરોધ વગર દિલ્‍હીમાં પ્રવેશી રહ્યા છે. વહેલી સવારે ગાઢ ધુમ્‍મસને કારણે દૃશ્‍યતા શૂન્‍ય સુધી પહોંચી ગઈ છે, જેનાથી રેલવે અને હવાઈ વ્‍યવહાર પર માઠી અસર પડી છે. ઐતિહાસિક રીતે જોઈએ તો દિલ્‍હીમાં ૧૯૬૭માં પારો માઈનસ ૨.૨ ડિગ્રી સુધી ગગડ્‍યો હતો, પરંતુ હાલની પરિસ્‍થિતિ ૨૧મી સદીના સૌથી ઠંડા દિવસોમાંની એક ગણાઈ રહી છે. ઠંડા પવનોની ગતિ અને આકાશ ચોખ્‍ખું હોવાને કારણે રાત્રિ દરમિયાન પળથ્‍વીની ગરમી ઝડપથી વાતાવરણમાં જતી રહે છે, જે ઠંડીમાં અનેકગણો વધારો કરે છે.

જોકે, દિલ્‍હીવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે ૧૫ જાન્‍યુઆરી પછી એક નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ હિમાલય ક્ષેત્રમાં સક્રિય થવાનું છે. આ સિસ્‍ટમ આવવાથી પવનોની દિશા બદલાશે અને ભેજવાળા પવનો આવવાથી લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, ૧૮ થી ૨૧ જાન્‍યુઆરી, ૨૦૨૬ ની વચ્‍ચે દિલ્‍હીમાં આ સીઝનનો પહેલો નોંધપાત્ર વરસાદ પડી શકે છે, જે ઠંડીના પ્રકોપમાંથી થોડી મુક્‍તિ અપાવશે. ત્‍યાં સુધી પ્રશાસને લોકોને સાવચેત રહેવા, ગરમ કપડાંનો ઉપયોગ કરવા અને ખાસ કરીને બાળકો તેમજ વળદ્ધોને વહેલી સવારના જોખમી તાપમાનથી બચાવવા માટે એડવાઈઝરી જારી કરી છે.

 

(3:26 PM IST)