<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

રાત પડતા માતા-પિતાને ઊંઘની ગોળી ખવડાવી પ્રેમીને મળવા માટે જતી

૮મા ધોરણમાં ભણતી બાળકીની કરતૂત જાણી ચોંકી જશોઃ ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં એક ચોંકાવનારી ઘટના

નવી દિલ્‍હી તા.૧૩: શાળામાં અભ્‍યાસ કરતા બાળકોની માનસિકતા હવે દિવસેને દિવસે અલગ થતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ થોડાક મહિના પહેલા અમદાવાદની સેવન્‍થ ડે સ્‍કૂલમાં એક વિદ્યાર્થીએ અન્‍ય વિદ્યાર્થીની હત્‍યા કરી નાખી હતી. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. સાથે જ આ મુદ્દો ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો હતો. ત્‍યારે વધુમાં ઉત્તરપ્રદેશના ગોરખપુરથી એક મોટી ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આઠમા ધોરણમાં અભ્‍યાસ કરતી બાળકી રાતના સમયે તેના માતા-પિતાને ઊંઘની ગોળી ખવડાવી દેતી હતી. આના પાછળનું કારણ એ હતું કે તે રાતના સમયે તેના પ્રેમીને મળવા માટે જતી હતી. માતા-પિતાને થોડાક દિવસ રહીને અજુગતું લાગ્‍યું અને બાળકી પર શંકા ગઈ હતી. જેથી તેમણે એક દિવસ ઊંઘવાનું નાટક કર્યું હતું.

માતા-પિતાને ઊંઘતા જોઈને બાળકી ઘરની બહાર નીકળી હતી. જોકે માતા-પિતાએ પણ બાળકીનો પીછો કર્યો જેવી તે તેના પ્રેમીને મળી કે માતા-પિતાએ બંનેને રંગેહાથ પકડી પાડ્‍યા હતા. આ મામલે બાળકીના પિતાએ પાડોશમાં જ રહેતા યુવક સામે કેસ દાખલ કર્યો છે. બાળકી સગીર વયની છે જ્‍યારે તેનો પ્રેમી ૨૨ વર્ષનો હોવાનું સામે આવ્‍યું છે. ઘરેથી નીકળ્‍યા બાદ તે કલાકો સુધી ગાયબ રહેતી હતી. જેને લઈને માતાને શંકા પહેલાથી હતી.

પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપી યુવક હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. બાળકીનો પરિવાર પહેલા મુંબઈમાં રહેતો હતો. જેમાં તેના પિતા પેઇન્‍ટિંગનું કામ કરતા હતા. જોકે એક મહિના પહેલા તેઓ મુંબઈથી પરત આવ્‍યા ત્‍યારે તેમણે પોતાની બાળકીમાં આવેલા બદલાવને જોયો હતો. બાળકી કલાકો સુધી મોબાઈલ પર વાત કરતી રહેતી હતી. આ વાતને લઈને પિતા તેની બાળકીને બોલ્‍યા પણ હતા.

પિતાને એ વાતનો આભાસ થયો કે રાતે જમ્‍યા બાદ તેમને અજુગતું લાગે છે. બાદમાં તેમને ઊંઘ પણ આવી જાય છે. આ વાતને લઈને જ્‍યારે પિતાએ પરિવાર સાથે વાત કરી ત્‍યારે તેમણે પણ જણાવ્‍યું અમને પણ આવું જ થાય છે. જોકે બાળકીને કશું નહોતું થતું તે ચૂપચાપ લોકોની વાત સાંભળતી હતી. કારણકે આ કામ તે જ કરતી હતી. તે રાતના ભોજનમાં કોઈને ખબર ન પડે તે રીતે ઊંઘની દવા નાખી દેતી હતી.

સમગ્ર મામલે પિતાએ પોલીસને જણાવ્‍યું કે તેમની દીકરી પર શંકા જતા તેમણે પત્‍ની સાથે મળીને યોજના બનાવી. રાતે જમવાનું તેમણે ન લીધું અને ઊંઘવાનું નાટક કર્યું. બાદમાં ૧૧:૩૦ વાગ્‍યે અવાજ સંભળાયો જેવી બારીમાંથી જોયું તો દીકરી ઘરની બહાર શાલ ઓઢીને નીકળી હતી.

માતા-પિતાએ બાદમાં બાળકીનો પીછો કર્યો તો તે ૨૦૦ મીટર દૂર આવેલ એક યુવકના ઘરમાં ગઈ. તે જ સમયે માતા-પિતાએ રંગેહાથ તેને પકડી પાડી હતી. જ્‍યારે દીકરીને આ વિશે કડકાઈથી પૂછ્‍યું ત્‍યારે તેણે જણાવ્‍યું કે તે છેલ્‍લા ૧ વર્ષથી આ યુવકના સંપર્કમાં હતી અને તે જ ઊંઘની દવા તે બાળકીને લાવીને આપતો હતો. બાદમાં તે બાળકી ખાવામાં તે દવા નાખીને આપી દેતી હતી.

આ ઘટના બાદ ગામમાં પંચાયત પણ બેસાડવામાં આવી હતી. જેમાં યુવકે કહ્યું તે ફરીથી આવું નહીં કરે. પરંતુ જ્‍યારે બાળકીના પરિવારે આ મામલે યુવકના પરિવારને જાણ કરી ત્‍યારે તે યુવકે બાળકીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર મામલે હવે બાળકીના પિતાએ પોલીસમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:06 AM IST)