<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

GSTની તમામ ચુકવણી કરે તો તાત્‍કાલિક રદ નંબર ચાલુ કરવા આદેશ

રીટર્ન સમયસર નહીં ભરવાના કારણે અનેક વેપારીઓના નંબર રદ

નવી દિલ્‍હી,તા.૧૩: વેપારી દ્વારા સમયસર જીએસટી રીટર્ન ભરવામાં મોડું કરવામાં આવે તો વેપારીનો જીએસટી નંબર રદ કરી દેવામાં આવતો હોય છે. જોકે વેપારી દ્વારા ટેક્‍સ ઉપરાંત બાકી રહેલા જીએસટી રીટર્ન ભરવાની તૈયારી બતાવે તો પણ કેટલાક કિસ્‍સાઓમાં જીએસટી નંબર ચાલુ કરવામાં આવતો નથી. આ કારણોસર હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી હતી. તેમાં વેપારી તમામ રકમ ચુકવવાની ખાત્રી આપે અથવા ભરપાઈ કરી દે તો તેનો નંબર તાત્‍કાલિક ચાલુ કરી આપવા માટે આદેશ કરવામાં આવ્‍યો છે. સાથે સાથે ભવિષ્‍યમાં કોઈ રકમની વસુલાત કાઢવામાં આવે તો તે પણ ભરપાઈ કરવાની બાંહેધરી આપવી પડશે.

વેપારી નિયમિત જીએસટી રીટર્ન ભરે નહીં તો તેનો નંબર રદ કરી દેવામાં આવતો હોય છે. ત્‍યાર બાદ વેપારી ટેક્‍સ, દંડ અને વ્‍યાજની રકમ ભરે તો પણ નંબર ચાલુ કરાવવા માટે વેપારીએ અનેક ધક્કા ખાવા પડતા હોય છે. જોકે આ અંગે હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી હતી. કારણ કે વેપારીઓને જીએસટી નંબર ચાલુ કરાવવા માટે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિથી કંટાળી ગયા હતા. આ અંગે હાઈકોર્ટે આદેશ કરતા જણાવ્‍યુ છે કે વેપારી દ્વારા બાકી રહેલા જીએસટી રીટર્ન ભરપાઈ કરવાની સાથે ટેક્‍સ, વ્‍યાજ અને દંડ ભરવા ઉપરાંત લેખિતમાં એવી બાંહેધરી આપે કે ભવિષ્‍યમાં જીએસટી પેટે કોઈ વસુલાત નીકળશે તો ભરવા માટે તૈયાર છે. તેવા કિસ્‍સામાં તાત્‍કાલિક જીએસટી નંબર કાર્યરત કરી દેવા માટેનો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્‍યો છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે જીએસટી લાગુ કરવામાં આવ્‍યા બાદ છેલ્‍લા સાતેક વર્ષથી વેપારીઓને પરેશાન કરવામાં આવતા નહોતા. પરંતુ હવે જીએસટીની આવક વધારવા માટે અધિકારીઓ દ્વારા પાછલા એક વર્ષ દરમિયાન ભારે પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના કારણે વેપારીઓને ઈન્‍સપેકટર રાજ ફરીથી આવી રહ્યાનો અનુભવ થઇ રહ્યો હોવાનો પણ ગણગણાટ વેપારીઓમાં સાંભળવા મળી રહ્યો છે.

(10:11 AM IST)