News of Tuesday, 13th January 2026
દિલ્હીની કાતિલ ઠંડીમાં ૩૦૦ પરિવારો ખુલ્લા આકાશ નીચે: ઓખલામાં યુપી સરકારની કાર્યવાહીથી મસ્જિદ કોલોનીના રહીશો બેઘર: ૮ ડિગ્રી તાપમાનમાં પ્લાસ્ટિકની તાડપત્રી નીચે રાત ગુજારવા મજબૂર લોકો: ગર્ભવતી મહિલાઓ અને વિદ્યાર્થીઓની હાલત કફોડી: ૧૩મી જાન્યુઆરીએ સાકેત કોર્ટમાં સુનાવણી: રહેવાસીઓ પાસે સરકારી પુરાવા હોવા છતાં મકાનો સીલ કરાયાનો આરોપ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે બીજી તરફ સેંકડો પરિવારો પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. દિલ્હીના ઓખલા વિસ્તારમાં આવેલા અલી ગામની મસ્જિદ કોલોનીમાં ઉત્તર પ્રદેશના સિંચાઈ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરીને લગભગ ૩૦૦ જેટલા મકાનોને સીલ કરી દીધા છે. આ કાર્યવાહીને કારણે સેંકડો લોકો ભીષણ ઠંડીમાં રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. ઉત્તર પ્રદેશ સિંચાઈ વિભાગનો દાવો છે કે આ જમીન તેમના હસ્તક આવે છે અને દિલ્હી હાઈકોર્ટના આદેશ અનુસાર મકાનો સીલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ૧૩ જાન્યુઆરીએ સાકેત કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે તેમ અંગ્રેજી ભાસ્કરના એ અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ૧૫ ડિસેમ્બરના રોજ અચાનક અધિકારીઓ પોલીસ કાફલા અને મજૂરો સાથે આવી પહોંચ્યા હતા. સ્થાનિક મહિલા શબાનાએ આક્ષેપ કર્યો હતો કે, "અમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી. અમે છેલ્લા એક મહિનાથી રસ્તા પર રહીએ છીએ. સરકાર 'બેટી બચાવો, બેટી પઢાવો'ની વાતો કરે છે, પરંતુ અમે રસ્તા પર આવી ગયા છીએ તો અમારી દીકરીઓ કઈ રીતે ભણશે? અમારી છત છીનવી લેવાઈ છે." શબાનાએ વધુમાં જણાવ્યું કે છેલ્લા ૮ દિવસથી તેઓ સ્નાન પણ કરી શક્યા નથી અને શૌચાલયની સુવિધા ન હોવાથી મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
સીલિંગની કાર્યવાહીને કારણે સૌથી વધુ અસર મહિલાઓ અને બાળકો પર થઈ છે. ૨૩ વર્ષીય જ્યોતિ નામની મહિલા ૮ મહિનાની ગર્ભવતી છે. તેનું કહેવું છે કે ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર શૌચાલય જવાની જરૂર પડે છે, પરંતુ ઘર સીલ હોવાથી તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
બાજુમાં જ રહેતા ૬૦ વર્ષીય સમીનાના પરિવારમાં ૧૮ સભ્યો છે. તેમણે જણાવ્યું કે ૧૩ ડિસેમ્બરે તેમની પુત્રવધૂએ એક બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ ઠંડી વધવાને કારણે નવજાત શિશુ ખુલ્લામાં બીમાર પડી શકે છે તેવા ડરથી તેમણે બાળક અને માતાને ઝજ્જરમાં સંબંધીને ત્યાં મોકલવા પડ્યા છે. સમીનાની પુત્રીનું અવસાન થઈ ચૂક્યું છે અને તેનો ૫ વર્ષનો પુત્ર પણ તેમની સાથે કાતિલ ઠંડીમાં બહાર સૂવા મજબૂર છે.
ધોરણ ૧૦માં અભ્યાસ કરતા ૧૭ વર્ષીય આકિબ ખાન માટે આ સમય અત્યંત કઠિન છે. તેનો જમણો પગ લકવાગ્રસ્ત છે અને પિતા સફાઈ કામદાર છે. આવતા મહિને તેની પરીક્ષાઓ છે, પરંતુ ઘરમાંથી વીજળી અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને મીટર પણ હટાવી લેવાયા છે. આવી સ્થિતિમાં અભ્યાસ કરવો અશક્ય બની ગયો છે.
મસ્જિદના ઇમામ મોહમ્મદ આબદીને જણાવ્યું કે ૧૫ તારીખે ૫૦૦થી વધુ અધિકારીઓ અને પોલીસકર્મીઓ નોટિસ વિના આવ્યા હતા. તેમણે મસ્જિદને તો સીલ નથી કરી, પરંતુ મસ્જિદની બાજુમાં આવેલા મદ્રેસાને સીલ કરી દીધું છે. વધુમાં, તેમણે મસ્જિદમાં પાણી પૂરું પાડતા સબમર્સીબલ પંપને પણ નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે નમાઝીઓને વઝૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઇમામે આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે પોલીસે ગેરવર્તણૂક કરી હતી.
સ્થાનિકોનો દાવો છે કે તેમની પાસે આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ જેવા સરકારી પુરાવાઓ છે, તેમ છતાં તેમને બેઘર કરવામાં આવ્યા છે. યુપી સિંચાઈ વિભાગ પુસ્તા રોડ પરની ૮.૪૮ એકર જમીન પર પોતાનો દાવો કરી રહ્યું છે. હાલ મસ્જિદ કોલોનીના ૩૦૦ મકાનો સીલ છે, જ્યારે નજીકની પીર કોલોનીના સેંકડો રહેવાસીઓમાં પણ ભયનો માહોલ છે કે ગમે ત્યારે તેમના પર પણ કાર્યવાહી થઈ શકે છે. રાત્રે તાપમાન ૬ થી ૭ ડિગ્રી સુધી ગગડી રહ્યું છે ત્યારે સેંકડો લોકો પ્લાસ્ટિકની શીટ નીચે આગ તાપીને રાત વિતાવી રહ્યા છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
