News of Tuesday, 13th January 2026
દિલ્હી એરપોર્ટ એલર્ટ : પ્રજાસત્તાક પર્વની ઉજવણીને પગલે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૧થી ૨૬ જાન્યુઆરી સુધી દરરોજ સવારે ૧૦:૨૦ વાગ્યાથી બપોરે ૧૨:૪૫ વાગ્યા સુધી તમામ પ્રકારની ફ્લાઈટનું ઉડાન અને લેન્ડિંગ બંધ રાખવામાં આવશે: ન્યૂઝ ફર્સ્ટ

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે દેશની રાજધાની દિલ્હીના એરપોર્ટ પર હવાઈ વ્યવહારમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રો અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા મળતી માહિતી મુજબ, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તારીખ ૨૧ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી સુધી દરરોજ ચોક્કસ સમયગાળા માટે ફ્લાઈટ ઓપરેશન સંપૂર્ણપણે સ્થગિત રહેશે.
આગામી ૨૬ જાન્યુઆરીએ યોજાનારા પ્રજાસત્તાક પર્વની પરેડ અને ફ્લાયપાસ્ટની સુરક્ષા તેમજ રિહર્સલને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેર કરાયેલા એલર્ટ મુજબ, તારીખ ૨૧ જાન્યુઆરીથી લઈને ૨૬ જાન્યુઆરી સુધીના દિવસોમાં દરરોજ સવારે ૧૦ કલાક અને ૨૦ મિનિટથી લઈને બપોરે ૧૨ કલાક અને ૪૫ મિનિટ સુધી એરપોર્ટ પરથી કોઈ પણ કોમર્શિયલ કે ખાનગી વિમાન ઉડાન ભરી શકશે નહીં કે ઉતરાણ કરી શકશે નહીં.
આ સમયગાળા દરમિયાન એરસ્પેસ બંધ રહેવાને કારણે સેંકડો ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને અસર થવાની સંભાવના છે. એરપોર્ટ પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે જેઓની મુસાફરી આ તારીખો અને સમય દરમિયાન નિર્ધારિત થયેલી હોય, તેઓએ એરપોર્ટ પર જતા પહેલા સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરીને પોતાની ફ્લાઈટના સમયપત્રક અને સ્ટેટસ અંગે ચોક્કસ માહિતી મેળવી લેવી, જેથી છેલ્લી ઘડીની અગવડતાથી બચી શકાય.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય તહેવારની સુરક્ષા અને ગરિમા જાળવવા માટે દર વર્ષે આ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવે છે. આ સમય દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા આકાશમાં કરતબ અને ફ્લાયપાસ્ટનું આયોજન થતું હોવાથી સલામતીના ભાગરૂપે સામાન્ય નાગરિક વિમાનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
