<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

અમેરિકાના રક્ષા મંત્રાલયે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન પર હુમલાના વિવિધ વિકલ્પો રજૂ કર્યા: જેમાં સાઇબર એટેક ઉપરાંત ઈરાનના પરમાણુ કાર્યક્રમો પર હુમલાનો પણ સમાવેશ: ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી દેખાવો અને દમનને પગલે અમેરિકા આક્રમક રણનીતિ

અમેરિકાના રક્ષા વિભાગ એટલે કે પેન્ટાગોન દ્વારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પને ઈરાન સામે સૈન્ય કાર્યવાહી માટેના વિવિધ વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. ઈરાનમાં ચાલી રહેલા દેશવ્યાપી સરકાર વિરોધી પ્રદર્શનોને કચડી નાખવા માટે ત્યાંની સરકાર દ્વારા જે ક્રૂર દમન કરવામાં આવી રહ્યું છે, તેના જવાબમાં અમેરિકા આ પગલાં લેવા વિચારી રહ્યું છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ વિકલ્પોમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમો પર હુમલાનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગત જૂન મહિનામાં પણ ત્રણ ભૂગર્ભ પરમાણુ સંવર્ધન સુવિધાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા.

અમેરિકી અધિકારીઓના મતે પરમાણુ હુમલા કરતા સાયબર અને સુરક્ષા તંત્ર પરના હુમલાની શક્યતા વધુ છે.

અમેરિકા પાસે ઈરાન પર હુમલો કરવાના અનેક વિકલ્પો છે, પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મર્યાદિત અને ચોક્કસ વિકલ્પો પર પસંદગી ઉતારવામાં આવે તેવી શક્યતા છે. જેમાં ઈરાન પર સાયબર હુમલા કરવા અથવા ત્યાંના ઘરેલુ સુરક્ષા તંત્રને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે. 

આ સુરક્ષા તંત્ર જ તેહરાન અને અન્ય મોટા શહેરોમાં પ્રદર્શનકારીઓ પર જીવલેણ બળપ્રયોગ કરવા માટે જવાબદાર છે. તેથી સીધા યુદ્ધના બદલે ટેકનિકલ અને વ્યૂહાત્મક ફટકો મારવાની રણનીતિ વિચારાઈ રહી છે.

(12:08 PM IST)