ભારતીય સેના પ્રમુખની ચીન-પાકને ખુલ્લી ચેતવણી: "શક્સગામ ખીણ પરનો 1963નો કરાર ગેરકાયદેસર, અમે બેઇજિંગના દાવાને ક્યારેય સ્વીકારીશું નહીં"
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ડ્રેગનના વિસ્તારવાદ પર કર્યો આકરો પ્રહાર, કહ્યું- "ભારતીય પ્રદેશમાં ચીન-પાકિસ્તાનની કોઈપણ ગતિવિધિ માન્ય નથી"

નવી દિલ્હી | તા.13 : ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે ચીન અને પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ પર આકરા પ્રહાર કર્યા છે. શક્સગામ ખીણ (Shaksgam Valley) પર ચીનના નવેસરથી દાવાઓને સદંતર ફગાવી દેતા જનરલ દ્વિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 1963માં પાકિસ્તાન અને ચીન વચ્ચે થયેલો સીમા કરાર સંપૂર્ણપણે 'ગેરકાયદેસર અને અમાન્ય' છે. ભારત આ કરાર હેઠળ પાકિસ્તાને ચીનને ભેટમાં આપેલા પ્રદેશને ભારતીય અભિન્ન હિસ્સો માને છે અને ત્યાં થતી કોઈપણ પ્રવૃત્તિને સ્વીકારશે નહીં.
"CPEC એ બે રાષ્ટ્રોની ગેરકાયદેસર કાર્યવાહી"
જનરલ દ્વિવેદીએ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) અંગે પણ ભારતનું વલણ કડક બનાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારત આ પ્રોજેક્ટને માન્યતા આપતું નથી કારણ કે તે ભારતના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાંથી પસાર થાય છે. સેના પ્રમુખનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ચીને શક્સગામ ખીણમાં માળખાકીય બાંધકામ શરૂ કર્યું છે અને તેને પોતાનો પ્રદેશ ગણાવી બચાવ કર્યો છે. ભારતની આક્રમક પ્રતિક્રિયાએ બેઇજિંગ અને ઇસ્લામાબાદમાં ફફડાટ ફેલાવ્યો છે.
ચીનના દાવાઓને ભારતે પાયાવિહોણા ગણાવ્યા
ગત સોમવારે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એવો દાવો કર્યો હતો કે શક્સગામ ખીણ ચીનનો ભાગ છે અને ત્યાં વિકાસ કાર્યો કરવાનો તેમને અધિકાર છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ દાવા સામે સખત વિરોધ નોંધાવતા પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના તમામ વિસ્તારો ભારતનો અવિભાજ્ય હિસ્સો છે. 2 માર્ચ, 1963ના રોજ પાકિસ્તાને ગેરકાયદેસર રીતે આ વિસ્તાર ચીનને સોંપી દીધો હતો, જેનો ભારત દાયકાઓથી વિરોધ કરી રહ્યું છે.
સીમા સુરક્ષા માટે ભારત સજ્જ
ભારતીય સેના ચીનની દરેક ચાલ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. જનરલ દ્વિવેદીએ સંકેત આપ્યો છે કે ભારત પોતાની પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં. એક તરફ ચીન આર્થિક કોરિડોરના નામે વિસ્તારવાદ કરી રહ્યું છે, ત્યારે ભારતની આ સ્પષ્ટ અને આક્રમક ચેતવણીએ વૈશ્વિક મંચ પર નવી દિલ્હીની મજબૂત સ્થિતિનું પ્રદર્શન કર્યું છે. શક્સગામ ખીણમાં ચીની બાંધકામનો વિરોધ કરીને ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે તેની સરહદોની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
