<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો: રાહત આપતા આદેશ સામે બેંકો પહોંચી હાઈકોર્ટ, છેતરપિંડીના ગંભીર આરોપો પર કાયદાકીય જંગ તેજ

બેંક ઓફ બરોડા અને IDBI સહિતની બેંકોએ સિંગલ જજના નિર્ણયને ડિવિઝન બેન્ચમાં પડકાર્યો, RCom વિવાદમાં નવો વળાંક

મુંબઈ | તા.13 : રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) ના ભૂતપૂર્વ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કાનૂની રાહત હવે જોખમમાં હોય તેવું જણાઈ રહ્યું છે. અગાઉ હાઈકોર્ટ દ્વારા તેમને મળેલી વચગાળાની રાહત સામે દેશની અગ્રણી બેંકોએ મોરચો માંડ્યો છે. બેંક ઓફ બરોડા, IDBI બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને ઓડિટર BDO ઇન્ડિયા LLP એ બોમ્બે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચનો સંપર્ક કરી અંબાણી સામે કાર્યવાહી રોકવાના આદેશને પડકાર્યો છે.
શું હતો સિંગલ જજનો આદેશ?
આ વિવાદની પૃષ્ઠભૂમિમાં ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ન્યાયાધીશ મિલિંદ જાધવની સિંગલ-જજની બેન્ચે અનિલ અંબાણીની તરફેણમાં મહત્વનો આદેશ આપ્યો હતો. અંબાણીએ બેંકોની નોટિસ સામે હાઈકોર્ટમાં ધા નાખી હતી, જેને ગ્રાહ્ય રાખી અદાલતે બેંકોને તેમની સામે કોઈપણ કડક કાર્યવાહી કરવાથી રોક્યા હતા. અદાલતે ત્યારે નોંધ્યું હતું કે આરબીઆઈના નિર્દેશો હેઠળનું ફોરેન્સિક ઓડિટ કાયદાકીય ધોરણોને પૂર્ણ કરે છે, જેનાથી અંબાણીને મોટી વચગાળાની રાહત મળી હતી.
બેંકોએ કેમ કરી અપીલ?
IDBI બેંકે હવે આ આદેશને પડકારતા દલીલ કરી છે કે આ મામલો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ૨૦૧૬ અને ૨૦૨૪ ના છેતરપિંડી અંગેના માસ્ટર નિર્દેશોના અર્થઘટન સાથે જોડાયેલો છે. ૩૧ ડિસેમ્બરના રોજ દાખલ કરાયેલી અરજીમાં બેંકોએ સ્પષ્ટ કર્યું છે કે આ કાયદાનો એક ગંભીર પ્રશ્ન છે અને તેમાં વચગાળાની રાહત આપવી યોગ્ય નથી. બેંકો હવે ઈચ્છે છે કે ડિવિઝન બેન્ચ આ મામલે ફરી તપાસ કરે અને છેતરપિંડીના આરોપો પર કાર્યવાહી કરવાની મંજૂરી આપે.
ભવિષ્યની કાનૂની લડાઈ
અનિલ અંબાણી માટે આ એક મોટો કાયદાકીય આંચકો માનવામાં આવે છે કારણ કે જો ડિવિઝન બેન્ચ સિંગલ જજના આદેશને ફગાવી દે છે, તો બેંકો ફરીથી તેમની સામે કડક કાયદાકીય અને નાણાકીય કાર્યવાહી શરૂ કરી શકશે. RBI ના કડક નિયમો હેઠળ હવે આ કેસમાં છેતરપિંડીની વ્યાખ્યા અને ફોરેન્સિક ઓડિટના અહેવાલો પર હાઈકોર્ટની અંતિમ મહોર શું લાગે છે તેના પર સૌની નજર ટકેલી છે.

(5:19 PM IST)