<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ડિજિટલ બેંકિંગમાં 'સ્પીડ'ની સાથે 'સેફ્ટી' પણ જરૂરી: RBI ડેપ્યુટી ગવર્નર મુર્મુએ બેંકિંગ જોખમો સામે લાલબત્તી ધરી, નવા યુગના નિયમો માટે આપી હાકલ

મુંબઈમાં ગ્લોબલ કોન્ફરન્સમાં સુપરવાઇઝરોને સંબોધન: ડિજિટલાઇઝેશનથી સુવિધા વધી પણ સિસ્ટમમાં 'વાયરસ'ની જેમ ફેલાતા જોખમોથી સાવધ રહેવા ચેતવણી

મુંબઈ | તા.13 : ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ડેપ્યુટી ગવર્નર જી.સી. મુર્મુએ આજના ઝડપથી બદલાતા ડિજિટલ યુગમાં બેંકિંગ નિયમનકારી માળખાને વધુ ચપળ અને જોખમ-આધારિત બનાવવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુંબઈમાં આયોજિત 'કોલેજ ઓફ સુપરવાઇઝર્સ'ની ત્રીજી વાર્ષિક વૈશ્વિક પરિષદમાં વિશેષ સંબોધન કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ટેકનોલોજી જેટલી સુવિધા આપે છે, તેની સામે તેટલા જ જટિલ પડકારો પણ લાવે છે.

ડિજિટલાઇઝેશનના બે પાસાં

ડેપ્યુટી ગવર્નર મુર્મુએ સ્વીકાર્યું હતું કે ડિજિટલાઇઝેશનને કારણે નાણાકીય સેવાઓની પહોંચ છેવાડાના માનવી સુધી વધી છે. તેનાથી બેંકિંગ કામકાજમાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને સ્પર્ધામાં નોંધપાત્ર સુધારો થયો છે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે આ નવી ટેકનોલોજીએ એવા જટિલ જોખમો પણ ઉભા કર્યા છે જે પહેલાં ક્યારેય નહોતા. એકબીજા સાથે જોડાયેલી આજની ડિજિટલ સિસ્ટમમાં કોઈપણ નાની ખામી કે જોખમ પળવારમાં આખી સિસ્ટમમાં ફેલાઈ શકે છે.

ભવિષ્યના પડકારો અને RBI ની સજ્જતા

મુર્મુએ વૈશ્વિક નિષ્ણાતો અને સુપરવાઇઝરોને અનુરોધ કર્યો હતો કે હવે આપણે પરંપરાગત દેખરેખ પદ્ધતિઓથી આગળ વધવું પડશે. તેમણે 'રિસ્ક-બેઝ્ડ' એટલે કે જોખમને પારખીને તે મુજબના નિયમો ઘડવા પર ભાર મૂક્યો હતો. બેંકો અને નાણાકીય સંસ્થાઓએ માત્ર નફા પર ધ્યાન આપવાને બદલે સાયબર સુરક્ષા અને સિસ્ટમની મજબૂતી પર વધુ ધ્યાન આપવું પડશે, જેથી ગ્રાહકોના નાણાં અને વિશ્વાસ બંને જળવાઈ રહે.

આ પરિષદમાં દેશ-વિદેશના બેંકિંગ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ડિજિટલ અર્થતંત્રને સુરક્ષિત રાખવા માટેના આધુનિક માપદંડો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.

(5:37 PM IST)