<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

વિશ્વના બે મહાબલીઓ વચ્ચે જંગ: લોકશાહીનો 'સમુદ્ર' કે સામ્યવાદનો 'ગઢ', કોણ છે અસલી પાવરહાઉસ?

ભારતીય જનતા પાર્ટીના ૧૮ કરોડના અજેય સૈન્ય સામે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનું અભેદ્ય ચક્રવ્યૂહ : ચૂંટણી મશીન અને શાસન મશીન વચ્ચેના સંઘર્ષમાં ડ્રેગન પણ હવે નાગપુર અને દીનદયાળ ઉપાધ્યાય માર્ગના શક્તિ કેન્દ્રને નમવા મજબૂર બન્યું

નવી દિલ્હી  : જ્યારે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC) ના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે પ્રોટોકોલ તોડીને ભાજપ કાર્યાલય અને RSS ના નેતાઓની મુલાકાત લીધી, ત્યારે વિશ્વ આખું સ્તબ્ધ થઈ ગયું. આ માત્ર એક ઔપચારિક મુલાકાત નહોતી, પરંતુ ચીન દ્વારા એ સ્વીકૃતિ હતી કે ભારતની સત્તાના દોર માત્ર સરકારી ફાઈલોમાં નહીં, પણ સંઘના સંસ્કારો અને ભાજપના સંગઠનમાં છુપાયેલા છે. ભાજપ આજે ૧૮ કરોડથી વધુ સભ્યો સાથે વિશ્વનો સૌથી મોટો રાજકીય પરિવાર છે, જે રશિયા અને બ્રિટન જેવા દેશોની સંયુક્ત વસ્તી કરતા પણ વિશાળ છે. ભાજપનું 'ઓપન ડોર' મોડેલ દરેક સામાન્ય માનવીને મિસ્ડ કોલ દ્વારા વિશ્વની સૌથી મોટી સેનાનો હિસ્સો બનવાની તક આપે છે, જે તેને એક જીવંત જન આંદોલન બનાવે છે.

બીજી તરફ, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC) ભીડમાં નહીં પણ 'પાવર' માં માને છે. ૯.૯ કરોડ સભ્યો ધરાવતી આ પાર્ટીમાં પ્રવેશ મેળવવો એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા કરતા પણ કપરું કામ છે. CPC એ કોઈ રાજકીય પક્ષ નથી, પણ એક ભદ્ર વર્ગનું સંગઠન છે જે ૧.૩ અબજ ચીની નાગરિકો પર લોખંડી પકડ ધરાવે છે. ભાજપ જ્યાં લોકશાહીના પર્વમાં દર પાંચ વર્ષે જનતાના દરબારમાં જઈને અગ્નિપરીક્ષા આપે છે, ત્યાં CPC કોઈની સામે જવાબદાર નથી. ચીનમાં શી જિનપિંગ એ જ પાર્ટી, એ જ સેના અને એ જ સરકાર છે. ત્યાં કોઈ વિરોધ પક્ષ નથી, કોઈ સ્વતંત્ર ન્યાયતંત્ર નથી; ત્યાં માત્ર પાર્ટીનો આદેશ છે જે પથ્થરની લકીર સમાન ગણાય છે.

આ સરખામણીમાં સૌથી મોટો તફાવત 'નિયંત્રણ' અને 'નિષ્ઠા' નો છે. ભાજપ એક એવી સિસ્ટમ છે જે ૨૪ કલાક ચૂંટણી મોડમાં રહીને જનતાના પલ્સને સમજે છે, જ્યારે CPC એક જાસૂસી મશીન જેવી છે જે દરેક મહોલ્લા અને કંપનીમાં 'પાર્ટી સેલ' દ્વારા લોકોના વિચારો પર પહેરો ભરે છે. ભાજપને RSS પાસેથી વૈચારિક શિસ્ત અને સમર્પિત કાર્યકર્તાઓ મળે છે, જે લોકશાહી માળખામાં રહીને કામ કરે છે. આમ, સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ એક વિરાટ સમુદ્ર છે, પરંતુ જો સંપૂર્ણ નિયંત્રણ અને તાનાશાહી શક્તિની વાત કરીએ તો CPC એક એવો ગઢ છે જેના પાયામાં માત્ર શાસન કરવાની જીદ છે. ભારત અને ચીનના આ બે પક્ષો વચ્ચેનું મિલન એ વિશ્વના બે સૌથી મોટા અને વિરોધાભાસી પાવર સેન્ટરોનો સંવાદ છે.

(6:03 PM IST)