હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનમાં લોહીની હોળી: ૨,૦૦૦ ના મોત છતાં તેહરાનનો ટ્રમ્પને પડકાર, 'જો દમ હોય તો યુદ્ધના મેદાનમાં આવો'
દેશભરમાં હિંસક બળવો અને 'ખામેની હટાવો' ના નારા વચ્ચે વિદેશ મંત્રી અરાઘચીએ અમેરિકાને આપી લશ્કરી કાર્યવાહીની ચેતવણી: ઇસ્લામિક શાસન બચાવવા ઈરાને વિદેશી દુશ્મનો પર દોષનો ટોપલો ઢોળ્યો : ૨૦૨૬ ના પ્રારંભે મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના એંધાણ

તેહરાન : ઈરાનમાં સત્તા અને જનતા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં રસ્તાઓ પ્રદર્શનકારીઓના લોહીથી લાલ થઈ રહ્યા છે. છેલ્લા અહેવાલો અનુસાર, ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થયેલા આ રાષ્ટ્રવ્યાપી બળવામાં અત્યાર સુધીમાં અંદાજે ૨,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, ઈરાની વહીવટીતંત્ર આ નરસંહાર માટે પ્રદર્શનકારીઓને બદલે "વિદેશી આતંકવાદીઓ" ને જવાબદાર ઠેરવી રહ્યું છે. આ આંતરિક અરાજકતા વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તેલ રેડવાનું કામ કર્યું છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે તેહરાન માત્ર આંતરિક બળવાને જ નહીં, પરંતુ અમેરિકાના કોઈપણ લશ્કરી હુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણ સજ્જ છે. અરાઘચીએ ગર્જના કરી છે કે જો અમેરિકા જૂની ભૂલોનું પુનરાવર્તન કરીને લશ્કરી વિકલ્પ અજમાવશે, તો ઈરાન તેને જડબાતોડ જવાબ આપશે.
ભારતમાં સ્થિત ઈરાની દૂતાવાસે પણ સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે ઈરાની રાષ્ટ્ર શક્તિશાળી છે અને તે "ભાડે રાખેલા હત્યારાઓ" ના ભરોસે ચાલનારા અમેરિકન રાજકારણીઓની છેતરપિંડીને સારી રીતે ઓળખે છે. સરકારનો દાવો છે કે દેશમાં ચાલી રહેલા સરકાર તરફી દેખાવોએ પશ્ચિમી તાકતોના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. ઈરાનના ૧૮૬ થી વધુ શહેરોમાં લોકો રસ્તા પર છે અને "સરમુખત્યાર મરાવો" ના નારા ગુંજી રહ્યા છે. ઇન્ટરનેટ પર પ્રતિબંધ અને કડક સુરક્ષા હોવા છતાં, જનતાનો આક્રોશ ઘટવાનું નામ નથી લઈ રહ્યો, જે સૂચવે છે કે ઈરાની શાસન અત્યારે ઈતિહાસના સૌથી મોટા અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યું છે.
આ આંદોલન હવે માત્ર મોંઘવારી કે આર્થિક કટોકટી પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તે ઈસ્લામિક રિપબ્લિકના પાયા હલાવી રહ્યું છે. પ્રદર્શનકારીઓ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના રાજીનામાની અને દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીના પુનરાગમનની માંગ કરી રહ્યા છે. વિશ્વભરના રાજદ્વારી નિષ્ણાતો માને છે કે જો ટ્રમ્પ પ્રશાસન આ આંતરિક અશાંતિનો લાભ લઈને કોઈ મોટું લશ્કરી પગલું ભરે છે, તો ૨૦૨૬ નું આ વર્ષ સમગ્ર વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધની નજીક લઈ જઈ શકે છે. હાલમાં તેહરાનની ગલીઓથી લઈને સરહદો સુધી તણાવ એટલો વધારે છે કે એક નાની તણખલી પણ મોટા વિસ્ફોટનું કારણ બની શકે તેમ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
