<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

મારવાડી યુનિવર્સિટીમાં ગુજરાત પ્રવાસન વિભાગનું ‘સૌરાષ્ટ્ર-કચ્છની ધરોહર’ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર : વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વૈવિધ્યની ઝલક : જુઓ વિડીયો

ગીર, સોમનાથ અને ધોળાવીરાની પ્રતિકૃતિઓ સાથે ‘હર ઘર સ્વદેશી’ અભિયાન હેઠળ હસ્તકલાનું જીવંત પ્રદર્શન : GI ટૅગ ધરાવતી કલાત્મક વસ્તુઓએ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા

રાજકોટ : રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)’ અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ખાસ થીમ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦ થી ૧૫ જાન્યુઆરી દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનમાં ‘સૌરાષ્ટ્ર–કચ્છની ધરોહર’ થીમ હેઠળ પ્રદેશના સમૃદ્ધ વારસા અને પ્રવાસન સ્થળોને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પેવેલિયન મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે પ્રદેશની સંસ્કૃતિને નજીકથી જાણવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે.
પ્રવાસન સ્થળોની અદભૂત પ્રતિકૃતિઓ:
પ્રદર્શનના હોલ નં. ૧ માં ગીર નૅશનલ પાર્ક, સોમનાથ મંદિર, દ્વારકાધામ, પોરબંદર, જુનાગઢના ઐતિહાસિક સ્થળો, વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા અને કચ્છના સફેદ રણની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. આ દૃશ્ય રજૂઆતો દ્વારા મુલાકાતીઓ એક જ સ્થળે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રવાસન વૈવિધ્યનો અનુભવ કરી રહ્યા છે.
હસ્તકલાનું જીવંત પ્રદર્શન (Live Demonstration):
સરકારના ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ અભિયાનને વેગ આપવા માટે પેવેલિયનમાં સ્થાનિક કારીગરો દ્વારા જીવંત પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં કચ્છી ભરતકામ, વિશ્વપ્રસિદ્ધ રોગન આર્ટ, અજરખ પ્રિન્ટિંગ, બાંધણી, ધાતુકલા અને માટીકામ જેવી પરંપરાગત કળાઓ કારીગરો દ્વારા સ્થળ પર જ બનાવીને બતાવવામાં આવે છે. આનાથી સ્થાનિક કલાકારોને વૈશ્વિક મંચ મળવાની સાથે તેમની કળાને નવી ઓળખ પ્રાપ્ત થઈ રહી છે.
GI ટૅગ હસ્તકલા અને માહિતી ડેસ્ક:
આ પ્રદર્શનમાં ગુજરાતની ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની GI ટૅગ (Geographical Indication) પ્રાપ્ત કલાત્મક વસ્તુઓનું વિશેષ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુલાકાતીઓની સુવિધા માટે પેવેલિયનમાં સ્પેશિયલ માહિતી ડેસ્ક પણ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાંથી પ્રવાસન બ્રોશર, બુકલેટ્સ, ડેસ્ટિનેશન મેપ્સ અને થીમ આધારિત માર્ગદર્શિકાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
‘Explore & Experience Gujarat’ નો સંદેશ:
ગુજરાત પ્રવાસન વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વિસ્તારી તેને વિવિધ ઉદ્યોગક્ષેત્રો સાથે સાંકળવાનો છે. ‘Explore & Experience Gujarat’ ના સંદેશ સાથે આ પેવેલિયનમાં પરંપરાગત વારસો અને આધુનિક રજૂઆતનું સફળ સંયોજન જોવા મળી રહ્યું છે. આ આયોજન માત્ર પ્રવાસનને જ નહીં, પરંતુ સ્થાનિક કારીગરો અને હસ્તકલા ક્ષેત્રને પણ નવી ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

(6:39 PM IST)