<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ગૌરવશાળી ક્ષણ: રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમની કેપ્ટન દીપિકાને પ્રજાસત્તાક દિવસ માટે પાઠવ્યું ખાસ આમંત્રણ

આંધ્રપ્રદેશના અંતરિયાળ ગામની દીકરી હવે દિલ્હીના કર્તવ્ય પથ પર મહેમાન બનશે: આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લામાં ખુશીનો માહોલ

અમરાપુરમ  : ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી રહી છે, ત્યારે આંધ્રપ્રદેશના એક નાના ગામની દીકરીએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમની કેપ્ટન દીપિકાને આ વર્ષે નવી દિલ્હીમાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીમાં હાજરી આપવા માટે વિશેષ આમંત્રણ પાઠવ્યું છે.

ગામના ઉંબરે પહોંચ્યું રાષ્ટ્રપતિનું આમંત્રણ

આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના અમરાપુરમ મંડળમાં આવેલા તંબાલાહટ્ટી ગામમાં જ્યારે ટપાલ અધિકારીઓ રાષ્ટ્રપતિનું આમંત્રણ લઈને પહોંચ્યા, ત્યારે આખું ગામ ગર્વથી હરખાઈ ઉઠ્યું હતું. દીપિકાએ પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચયથી બ્લાઇન્ડ ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ કર્યું છે અને તેમની આ સિદ્ધિની નોંધ ખુદ દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન રાષ્ટ્રપતિએ લીધી છે.

"આ મારા જીવનનું સૌથી મોટું સન્માન છે"

આમંત્રણ પત્ર સ્વીકારતા દીપિકાની આંખોમાં હર્ષના આંસુ હતા. તેમણે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, "ભારતના રાષ્ટ્રપતિ તરફથી આવું આમંત્રણ મળવું એ મારા માટે અને મારા પરિવાર માટે અકલ્પનીય ગર્વની ક્ષણ છે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં રૂબરૂ હાજર રહેવું એ એક સપના સમાન છે અને હું તેને મારા જીવનનો સૌથી યાદગાર અને સન્માનજનક અનુભવ માનું છું."

પ્રેરણાનો સ્ત્રોત બની દીપિકા

દીપિકાની આ સફળતા માત્ર રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ તે તેવા તમામ યુવાનો માટે પ્રેરણા છે જેઓ શારીરિક પડકારો છતાં આકાશને આંબવાની તમન્ના રાખે છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં તેમની હાજરી એ નારી શક્તિ અને સમાજના દરેક વર્ગના સમાવેશી વિકાસનું પ્રતિક બની રહેશે.

(6:50 PM IST)