હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ: જમ્મુ-કાશ્મીરમાં દેશવિરોધી પ્રવૃત્તિ બદલ 5 સરકારી કર્મચારીઓને હોદ્દા પરથી કરાયા બરતરફ
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાનો સપાટો: પાકિસ્તાન સ્થિત આકાઓ અને હિઝબુલ સાથે સાંઠગાંઠ ધરાવતા કર્મચારીઓ પર લેવાયા કડક પગલાં

જમ્મુ : જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરનારા તત્વો સામે લાલ આંખ કરી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સક્રિય સંબંધો ધરાવવાના ગંભીર આરોપસર મંગળવારે પાંચ સરકારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ સરકારી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શિક્ષકથી લઈને ડ્રાઈવર સુધીના કર્મચારીઓ સામે એક્શન
આકાશવાણી જમ્મુના અહેવાલ મુજબ, બરતરફ કરવામાં આવેલા કર્મચારીઓ અલગ-અલગ વિભાગમાં કાર્યરત હતા. જેમાં એક સરકારી શિક્ષક, એક પ્રયોગશાળા ટેકનિશિયન, એક સહાયક લાઇનમેન, વન વિભાગનો એક કર્મચારી અને આરોગ્ય તથા તબીબી શિક્ષણ વિભાગના એક ડ્રાઇવરનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓ પર આરોપ છે કે તેઓ સરકારી નોકરીમાં રહીને આતંકવાદી સંગઠનોને મદદ પૂરી પાડતા હતા.
પાકિસ્તાની હેન્ડલર સાથે સીધું જોડાણ
બરતરફ કરાયેલા કર્મચારીઓ પૈકી આરોગ્ય વિભાગનો ડ્રાઇવર, જે હાલ શ્રીનગર સેન્ટ્રલ જેલમાં બંધ છે, તે હિઝબુલ-મુજાહિદ્દીનનો 'ઓવરગ્રાઉન્ડ વર્કર' (OGW) હોવાનું તપાસમાં ખુલ્યું છે. તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી આકાઓ સાથે સતત સંપર્કમાં હતો અને તેમને ગુપ્ત માહિતી અને અન્ય લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડતો હતો. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ બાદ લેફ્ટનન્ટ ગવર્નરે ભારતના બંધારણ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ દેશવિરોધી તત્વોને ઘરભેગા કર્યા છે.
જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રનું આ પગલું સ્પષ્ટ સંદેશ આપે છે કે સરકારી તંત્રમાં રહીને આતંકવાદને પોષનારાઓ માટે કોઈ સ્થાન નથી. છેલ્લા કેટલાક સમયથી ખીણ પ્રદેશમાં દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કર્મચારીઓ સામે આવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
