<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

બંગાળમાં ચૂંટણી પહેલા 'વોટર લિસ્ટ' પર મહાસંગ્રામ: મમતા બેનર્જીનો ગંભીર આક્ષેપ - "૫૪ લાખ મતદારોના નામ ગાયબ, આ ભાજપની કાળી જાદુગરી છે!"

ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર દીદીનો આકરો પ્રહાર: મહિલાઓના નામ જાણીજોઈને કાઢી નાખ્યા હોવાનો દાવો, ડ્રાફ્ટ લિસ્ટ જાહેર ન કરતા મમતાએ ઉઠાવ્યા સવાલો

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવતા ચૂંટણી પંચ અને ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે રાજ્યમાં ૫૪ લાખ જેટલા મતદારોના નામ ગેરકાયદેસર અને અનૈતિક રીતે યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જે લોકશાહીની હત્યા સમાન છે.
કોલકાતામાં આયોજિત પત્રકાર પરિષદમાં મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે, "ચૂંટણી પંચે જે ૫૪ લાખ લોકોના નામ હટાવ્યા છે તેની કોઈ ડ્રાફ્ટ લિસ્ટ અમને બતાવવામાં આવી નથી. મને પૂરો વિશ્વાસ છે કે આ લિસ્ટ ભાજપના કાર્યાલયમાં તૈયાર કરવામાં આવ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રક્રિયામાં ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવવામાં આવી છે. લગ્ન પછી સ્થળાંતર કરનારી મહિલાઓના નામ જાણીજોઈને યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે જેથી તેઓ મતદાન ન કરી શકે.
મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, જે રીતે મહારાષ્ટ્ર અને બિહારમાં સત્તા મેળવવા માટે ખેલ ખેલવામાં આવ્યો હતો, તે જ રીતે હવે બંગાળમાં પણ "બ્લેક મેજિક અને બ્લેક ગેમ" રમાઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા ચૂંટણી અધિકારી (DEO) નામો ક્લિયર કરે છે, પરંતુ અંતિમ સમયે માઇક્રો ઓબ્ઝર્વર્સ ભાજપના ઈશારે નામો કાપી નાખે છે. ચૂંટણી પંચની ભૂમિકા શંકાસ્પદ ગણાવતા તેમણે કહ્યું કે, પંચ જ જનતાને તેમના મતાધિકારથી વંચિત રાખી રહ્યું છે.
દીદીએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે ભાજપ બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા પડોશી રાજ્યોમાંથી લોકોને લાવીને બંગાળમાં ખોટું મતદાન કરાવવાની યોજના બનાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી ૧૭ જાન્યુઆરીના માલદા પ્રવાસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલા માત્ર ઉદ્ઘાટનની જ રાજનીતિ થાય છે અને ચૂંટણી પત્યા પછી બંગાળનું ફંડ રોકી દેવામાં આવે છે.
આ વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, ત્યારે જોવાનું એ રહે છે કે ૫૪ લાખ મતદારોના ભાવિનો ફેંસલો શું આવે છે.

(7:58 PM IST)