તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક બજારોમાં પહોંચાડવા કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન : વેપારને વેગ આપવા ‘ગ્લોબલ એક્ઝિબિશન રોડમેપ’ લોન્ચ કરાશે
નવા ઉદ્યોગસાહસિકો અને MSMEs માટે આંતરરાષ્ટ્રીય તકોના દ્વાર ખુલશે : ૬ પશ્ચિમ એશિયાઈ દેશો સાથે FTAની તૈયારી : ગુજરાતમાં રીજનલ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની મોટી જાહેરાત

રાજકોટ : ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારોમાં પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકારે ભારતીય નિકાસ પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવવા અને નવા આંતરરાષ્ટ્રીય બજારો શોધવા માટે કમર કસી છે. ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જાહેરાત કરી હતી કે સરકાર ‘ગ્લોબલ એક્ઝિબિશન રોડમેપ’ તૈયાર કરી રહી છે, જેનાથી ભારતીય કંપનીઓ અને લઘુ-મધ્યમ ઉદ્યોગો (MSMEs) સરળતાથી વિદેશમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરી શકશે.
૧૫ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અને ૫૦ દેશો સાથે ચર્ચા:
સત્તાવાર સ્ત્રોતોના જણાવ્યા મુજબ, ભારતે અત્યાર સુધીમાં ૨૬ થી વધુ દેશો અને આર્થિક બ્લોક્સને આવરી લેતા ૧૫ મુક્ત વ્યાપાર કરારો (FTAs) પર હસ્તાક્ષર કર્યા છે. હાલમાં અન્ય ૫૦ દેશો સાથે વાટાઘાટો પ્રગતિમાં છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે યુકે, ઓસ્ટ્રેલિયા, યુએઈ, ઓમાન અને મોરેશિયસ જેવા દેશો સાથે કરારો થઈ ચૂક્યા છે, જ્યારે યુરોપિયન યુનિયન (EU) સાથેનો કરાર અંતિમ તબક્કામાં છે. અમેરિકા અને જર્મની સાથે પણ મંત્રણા ચાલી રહી છે.
ઉદ્યોગસાહસિકો માટે ‘પ્લગ એન્ડ પ્લે’ સુવિધા:
કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી અજય ભાદુએ જણાવ્યું હતું કે ઉદ્યોગસાહસિકોએ હવે ‘સપ્લાયર’ ને બદલે ‘સોલ્યુશન પ્રોવાઈડર’ બનવાની જરૂર છે. ગ્રીન હાઈડ્રોજન, સંરક્ષણ, એરોસ્પેસ અને પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકારે ‘પ્લગ એન્ડ પ્લે’ ફેસિલિટી અને સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ વિકસાવ્યા છે. નિકાસકારો માટે પ્રક્રિયાઓ વધુ સરળ અને પારદર્શક બનાવવામાં આવી રહી છે.
ગુજરાતની ભૂમિકા અને ‘અમૃતકાળ’:
વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાતના મહત્વ પર ભાર મૂકતા પીયૂષ ગોયલે કહ્યું કે દેશ ‘અમૃતકાળ’ ના તબક્કામાં પ્રવેશી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાંબા ગાળાના વિઝન સાથે જે નીતિઓ અને યોજનાઓ અમલમાં મૂકી છે તે ગુજરાત સહિત તમામ રાજ્યો માટે વેપાર વધારવામાં મહત્વની સાબિત થશે. સરકારની નવી નીતિઓ સમયાંતરે સુધારીને તેને વધુ બિઝનેસ-ફ્રેન્ડલી બનાવવામાં આવી રહી છે.
વૈશ્વિક પડકારો અને ટેરિફની અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનું નિકાસ ક્ષેત્ર મજબૂત સ્થિતિસ્થાપકતા બતાવી રહ્યું છે, અને સરકારની આ નવી વ્યાપાર નીતિઓ નવા હિતધારકોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભરવાની સુવર્ણ તક પૂરી પાડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
