હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રયાગરાજ માઘ મેળામાં અગ્નિકાંડ: નારાયણ શુક્લ ધામ કેમ્પમાં ભીષણ આગથી 15 તંબુઓ રાખ, 50 શ્રદ્ધાળુઓનો આબાદ બચાવ
સેક્ટર-5 માં શોર્ટ સર્કિટથી ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી, ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા પવિત્ર માઘ મેળા વિસ્તારમાં મંગળવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મેળાના સેક્ટર-5 માં આવેલા પ્રખ્યાત 'નારાયણ શુક્લ ધામ' કેમ્પમાં લાગેલી આ ભીષણ આગમાં 15 જેટલા તંબુઓ અને અંદર રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે, સમયસૂચકતા વાપરીને તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા.
ઘટના બની ત્યારે કેમ્પની અંદર આશરે 50 થી વધુ કલ્પવાસીઓ અને શ્રદ્ધાળુઓ હાજર હતા. આગના ગોટેગોટા દૂરથી દેખાતા જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તંબુઓમાં આગ લાગતા જ અંદર હાજર લોકો મુખ્ય ગેટ તરફ દોડ્યા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે શ્રદ્ધાળુઓને પોતાનો કિંમતી સામાન બચાવવાનો મોકો પણ મળ્યો નહોતો.
આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લાંબા સમયની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગની લપેટમાં કેમ્પની બહાર આવેલી કેટલીક નાની દુકાનો પણ આવી ગઈ હતી, જેને ભારે નુકસાન થયું છે.
આગ ઓલવ્યા બાદ વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર કેમ્પની તપાસ કરવામાં આવી હતી અને ખાતરી કરવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિ અંદર ફસાયેલ નથી. માઘ મેળાના સંચાલકોએ હવે અન્ય કેમ્પમાં પણ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવાના આદેશ આપ્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
