<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

વૈશ્વિક તેલ બજારમાં મોટો ભડકો! કાળા સમુદ્રમાં બે જાયન્ટ ઓઈલ ટેન્કરો પર ભીષણ હુમલો, ક્રૂડના ભાવમાં વર્ષનો સૌથી મોટો ઉછાળો

કઝાકિસ્તાનના તેલ પુરવઠા પર સંકટના વાદળો: હુમલા બાદ ક્રૂડ ઓઈલ $60.50 ને પાર, બ્રેન્ટ ક્રૂડ પણ $65 ની આરે - યુરોપ અને એશિયામાં સપ્લાય ચેઈન ખોરવાવાની ભીતિ

નવી દિલ્હી: વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્વના ગણાતા કાળા સમુદ્ર (Black Sea) વિસ્તારમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કઝાકિસ્તાનના તેલ નિકાસ માટેના સૌથી વ્યૂહાત્મક માર્ગ CPC (કેસ્પિયન પાઇપલાઇન કન્સોર્ટિયમ) ટર્મિનલ નજીક બે વિશાળ તેલ ટેન્કરો — 'ડેલ્ટા હાર્મની' અને 'માટિલ્ડા' — પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં એક જ દિવસમાં ૨ ટકાનો મોટો વધારો નોંધાયો છે, જે ૨૦૨૬ના વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો એકદિવસીય ઉછાળો છે.
મળતી માહિતી મુજબ, બંને જહાજો કઝાકિસ્તાનનું ક્રૂડ ઓઈલ લોડ કરવા માટે પોતાની વારાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ ક્રૂડ ઓઈલના ભાવ $60.50 પ્રતિ બેરલને વટાવી ગયા છે. બજારના વિશ્લેષકો માને છે કે જો સ્થિતિ વધુ વણસશે તો બ્રેન્ટ ક્રૂડ ટૂંક સમયમાં $70ની સપાટી પણ સ્પર્શી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે તેલના વેપારી જહાજો પર સીધી રીતે દેખાઈ રહી છે.
આ પાઇપલાઇન દ્વારા દરરોજ ૧.૪ મિલિયન બેરલ તેલનું વહન થાય છે, જે વિશ્વના દરિયાઈ તેલ વેપારનો ૨.૩% હિસ્સો છે.
કઝાકિસ્તાનની જીવાદોરી: કઝાકિસ્તાનની ૮૦% થી વધુ તેલ નિકાસ આ એક જ માર્ગ પર નિર્ભર છે.
 આ માર્ગ યુરોપ અને એશિયાના બજારો સુધી તેલ પહોંચાડવા માટેનો સૌથી ટૂંકો અને મહત્વનો રસ્તો છે.
છેલ્લા છ અઠવાડિયામાં કાળા સમુદ્રમાં જહાજો પરના હુમલામાં ધરખમ વધારો થયો છે. યુક્રેન રશિયાની તેલની આવક ઘટાડવા માટે આ વ્યૂહાત્મક માર્ગોને નિશાન બનાવી રહ્યું હોવાનું મનાય છે. આ ઘટના બાદ હવે શિપિંગ કંપનીઓમાં ગભરાટ ફેલાયો છે. જો માલિકો આ રૂટ પર જહાજો મોકલતા અચકાશે, તો આવનારા દિવસોમાં તેલનો પુરવઠો ઘટી શકે છે અને ઈંધણના ભાવમાં વૈશ્વિક સ્તરે મોટો વધારો જોવા મળી શકે છે. હાલમાં સીપીસી અને સંબંધિત શિપિંગ કંપનીઓએ આ નુકસાન અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તેલ બજારમાં તણાવ સાફ જોવા મળી રહ્યો છે


 

(8:58 PM IST)