<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

તુર્કમાન ગેટ પર 'બુલડોઝર'નો ગડગડાટ અને પથ્થરમારો: ભારે તણાવ વચ્ચે સજ્જડ પોલીસ છાવણી, 11 ની ધરપકડ બાદ છવાયો 'શાંતિનો ભ્રમ'

અફવાને પગલે ભભૂકેલી હિંસામાં SHO સહિત 5 પોલીસકર્મી લોહીલુહાણ - મસ્જિદ સુરક્ષિત હોવાની પુષ્ટિ છતાં વિસ્તારમાં કલમ 144 લાગુ અને RAF તૈનાત

નવી દિલ્હી:  દેશની રાજધાનીના ઐતિહાસિક તુર્કમાન ગેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. 6 જાન્યુઆરીની મધ્યરાત્રિએ મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા હાથ ધરવામાં આવેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશ બાદ સર્જાયેલી હિંસા અને તણાવ હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યા. હાલમાં સમગ્ર વિસ્તારમાં બેરિકેડ્સ, બુલડોઝર અને બંદૂકધારી જવાનોના પહેરા વચ્ચે એક ભેદી મૌન છવાયેલું છે, જેને પોલીસ 'નિયંત્રિત સ્થિતિ' ગણાવી રહી છે.

MCD એ હાઈકોર્ટના આદેશને ટાંકીને ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. રાત્રે 2 વાગ્યાની આસપાસ જ્યારે બુલડોઝરે મેરેજ હોલ અને ક્લિનિક તોડી પાડવાનું શરૂ કર્યું, ત્યારે 'મસ્જિદ તોડવામાં આવી રહી છે' તેવી અફવા વાયુવેગે ફેલાઈ હતી. જોતજોતામાં હજારોનું ટોળું એકઠું થઈ ગયું અને પોલીસ દળ પર જોરદાર પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ હિંસામાં એસએચઓ (SHO) સહિત પાંચ જવાનો ઘાયલ થયા હતા.
 દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર નિધિન વલસનના જણાવ્યા અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અને બોડી-વર્ન કેમેરાના રેકોર્ડિંગના આધારે હિંસા ભડકાવનારા અને સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસનો દાવો છે કે પથ્થરમારામાં કેટલાક રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો અને બહારના તત્વો પણ સામેલ હતા.
ઘટનાના એક સપ્તાહ બાદ પણ તુર્કમાન ગેટના દરેક ખૂણે રેપિડ એક્શન ફોર્સ (RAF) અને દિલ્હી પોલીસના જવાનો તૈનાત છે. કલમ 144 લાગુ હોવાથી લોકોની અવરજવર પર મર્યાદા છે. મસ્જિદ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે મસ્જિદને કોઈ નુકસાન થયું નથી, છતાં સ્થાનિકોમાં રાત્રે કરવામાં આવેલી આ કાર્યવાહી અને તોડફોડને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાટમાળ હટાવવાનું કામ હજુ પણ ચાલુ છે, પરંતુ આ કાટમાળ નીચે દબાયેલો લોકોનો વિશ્વાસ ફરી બેઠો થવામાં સમય લાગે તેમ છે.



 

(8:59 PM IST)