<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

કાતિલ ઠંડીમાં આવી શકે છે હાર્ટ એટેક : AIIMSના ડોક્ટરોએ જારી કરી હેલ્થ એડવાઈઝરી : બેદરકારી પડશે ભારે!

નસો સંકોચાવાને કારણે બ્લડ પ્રેશર વધતા હૃદય અને ફેફસાં પર સીધો હુમલો: મીઠું, અથાણું અને પાપડથી દૂરી રાખવા સલાહ : શ્વાસની તકલીફ કે છાતીમાં દુખાવો જણાય તો તેને માત્ર શરદી માનીને અવગણશો નહીં

નવી દિલ્હી:  ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે દિલ્હી AIIMS ના નિષ્ણાતોએ ગંભીર સ્વાસ્થ્ય ચેતવણી જારી કરી છે. કાતિલ ઠંડી માત્ર ધ્રુજારી જ નથી લાવતી, પરંતુ તે હૃદય, ફેફસાં અને કિડનીના દર્દીઓ માટે સાક્ષાત 'સાયલન્ટ કિલર' સાબિત થઈ શકે છે. કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રાજીવ નારંગે જણાવ્યું કે, ઠંડીને કારણે શરીરની રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે, જેનાથી બ્લડ પ્રેશર અચાનક શૂટ-અપ થાય છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી જાય છે. ખાસ કરીને વૃદ્ધો અને હૃદયરોગના દર્દીઓએ વહેલી સવારે કડકડતી ઠંડીમાં ફરવા નીકળવાનું સાહસ ટાળવું જોઈએ અને સૂર્યપ્રકાશ નીકળ્યા બાદ જ ઘરની બહાર નીકળવું હિતાવહ છે.

AIIMS ના મેડિસિન વિભાગના નિષ્ણાતોના મતે, આ ઋતુમાં માત્ર બહારની ઠંડી જ નહીં પણ આપણી આહારશૈલી પણ જોખમ વધારે છે. શિયાળામાં પાણી ઓછું પીવાની આદત લોહીને જાડું બનાવે છે, જે હૃદય પર દબાણ વધારે છે. ડોક્ટરોએ સલાહ આપી છે કે ડાયાબિટીસ અને બીપીના દર્દીઓએ મીઠું, અથાણું અને પ્રોસેસ્ડ ફૂડથી સખત પરેજી રાખવી જોઈએ. ફેફસાં અને અસ્થમાના દર્દીઓ માટે પ્રદૂષણ અને ઠંડી હવા 'ડેડલી કોમ્બિનેશન' સમાન છે. શ્વાસનળી સંકોચાવાને કારણે અસ્થમાના એટેક વધી શકે છે, તેથી બહાર નીકળતી વખતે નાક અને મોઢાને મફલર કે માસ્કથી ઢાંકવું અત્યંત અનિવાર્ય છે.

બાળકો અને નવજાત શિશુઓ માટે પણ આ ઠંડી અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. બાળરોગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નાના બાળકોના શરીરનું તાપમાન ઝડપથી ઘટી શકે છે (હાયપોથર્મિયા), તેથી તેમના માથા, કાન અને છાતીને ગરમ કપડાંથી સતત ઢાંકી રાખવા જોઈએ. જો કોઈ બાળક વધુ પડતું સુસ્ત લાગે અથવા તેના શ્વાસની ગતિ તેજ થઈ જાય, તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. AIIMS ના તમામ વિભાગોએ સંયુક્ત રીતે અપીલ કરી છે કે, શિયાળાની આળસમાં નિયમિત દવાઓ લેવાનું ક્યારેય ચૂકશો નહીં અને હળવી કસરત કે યોગ ઘરની અંદર જ કરવાનું રાખો.

(11:24 PM IST)