News of Wednesday, 14th January 2026
એશિયન ગેમ્સ ૨૦૨૬નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં ૧૭ સપ્ટેમ્બરથી ક્રિકેટનો રોમાંચ શરૂ થશે, ભારત ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર
ક્રિકેટ મેચો ૧૭ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રમાશે. આ વખતે ઉદ્ઘાટન સમારોહના નવ દિવસ પહેલા જ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ જશે.

વર્ષ ૨૦૨૬માં જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારતીય ટીમ આ વખતે પણ ગોલ્ડ મેડલ જીતવા મેદાનમાં ઉતરશે.
ક્રિકેટપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. એશિયન ગેમ્સ ૨૦૨૬ના આયોજકોએ ક્રિકેટ ટુર્નામેન્ટનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાનારી આ ગેમ્સમાં ક્રિકેટ મેચો ૧૭ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રમાશે. આ વખતે ઉદ્ઘાટન સમારોહના નવ દિવસ પહેલા જ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ જશે.
મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની મેડલ મેચ (ફાઈનલ) ૨૨ સપ્ટેમ્બરે રમાશે. જ્યારે પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની ગોલ્ડ મેડલ મેચ ૩ ઓક્ટોબરે રમાશે. તમામ મેચો આઈચી પ્રાંતના કોરોગી એથ્લેટિક પાર્કમાં રમાશે. ભારતીય સમય મુજબ સવારની મેચ ૫:૩૦ વાગ્યે અને બપોરની મેચ ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે.
વર્ષ ૨૦૨૩માં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ભારતીય પુરુષ ટીમે અને હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૨૬માં પણ ભારતની બંને ટીમો ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પુરુષોની સ્પર્ધામાં કુલ ૧૦ ટીમો ભાગ લેશે, જ્યારે મહિલા વર્ગમાં ૮ ટીમો વચ્ચે જંગ જામશે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
