<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

મકર સંક્રાંતિ અને માઘ એકાદશીના પાવન અવસરે આસ્થાનું ઘોડાપૂર: પ્રયાગરાજથી ગંગાસાગર સુધી લાખો ભક્તોની પવિત્ર ડૂબકી

સવારે ૬ વાગ્યા સુધીમાં જ લગભગ ૯ લાખ ૫૦ હજાર શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી ચૂક્યા હતા. ડ્રોન કેમેરાથી સમગ્ર મેળા પર નજર રાખવામાં આવી રહી છે

મકર સંક્રાંતિ અને માઘ એકાદશીના પર્વ નિમિત્તે દેશભરના પવિત્ર નદી કિનારે આસ્થાનો મહાસાગર ઉમટ્યો હતો. હાડ થીજવતી ઠંડી છતાં લાખો શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

આજે બુધવારે મકર સંક્રાંતિ અને માઘ મહિનાની એકાદશીના પવિત્ર સંયોગ પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, ઉત્તરાખંડના હરિદ્વાર અને પશ્ચિમ બંગાળના ગંગાસાગર સુધી લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા. હિન્દુ ધર્મમાં આ દિવસે સ્નાનનું અનેરું મહત્વ છે, એવી માન્યતા છે કે આજના દિવસે પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. માઘ મેળા અધિકારી ઋષિ રાજના જણાવ્યા અનુસાર, આજે સવારે ૬ વાગ્યા સુધીમાં જ લગભગ ૯ લાખ ૫૦ હજાર શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી ચૂક્યા હતા. ડ્રોન કેમેરાથી સમગ્ર મેળા પર નજર રાખવામાં આવી રહી છે. 

બીજી તરફ હરિદ્વારમાં 'હર કી પૌડી' ઘાટ પર પણ વહેલી સવારથી ભક્તોનો જમાવડો શરૂ થઈ ગયો હતો. 

પશ્ચિમ બંગાળમાં ગંગાસાગરમાં પણ હજારો લોકોએ ગંગા અને સાગરના સંગમ પર સ્નાન કર્યું હતું.

એક તરફ ઉત્તર ભારતમાં ધાર્મિક મેળાવડા જામ્યા છે, તો બીજી તરફ મુંબઈ શહેર આજે સવારે ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું, જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી હતી.

(12:28 PM IST)