<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ ૨૦૨૬: ભારતીય પાસપોર્ટ મજબૂત બન્યો, પાંચ સ્થાનના સુધારા સાથે હવે ૮૦મા ક્રમે પહોંચ્યો: જેનાથી ભારતીયોને વિશ્વના ૫૫ દેશોમાં વિઝા વગર પ્રવેશ મળી શકશે: સિંગાપોર સતત ત્રીજા વર્ષે વિશ્વમાં મોખરે: જેના નાગરિકો ૧૯૨ દેશોમાં વિઝા વગર જઈ શકે છે: પાડોશી દેશોની સ્થિતિ ચિંતાજનક: અફઘાનિસ્તાન ૧૦૧મા ક્રમે એટલે કે યાદીમાં સૌથી છેલ્લે છે, જ્યારે પાકિસ્તાન ૯૮મા ક્રમે

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરતા 'હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ ૨૦૨૬'માં ભારતે મોટી છલાંગ લગાવી છે. ભારતીય પાસપોર્ટ પાંચ સ્થાનના સુધારા સાથે હવે ૮૦મા ક્રમે પહોંચી ગયો છે, જેનાથી ભારતીયોને વિશ્વના ૫૫ દેશોમાં વિઝા વગર પ્રવેશ મળી શકશે.

વર્ષ ૨૦૨૫માં ભારત આ યાદીમાં ૮૫મા સ્થાને હતું, જે હવે સુધરીને ફરી ૨૦૨૪ના સ્તરે એટલે કે ૮૦મા ક્રમે આવી ગયું છે. હાલમાં ભારતીય પાસપોર્ટ ધારકો વિશ્વના ૫૫ દેશોમાં 'વિઝા-ફ્રી' અથવા 'વિઝા-ઓન-અરાઈવલ' સુવિધા સાથે મુસાફરી કરી શકે છે. 

વૈશ્વિક સ્તરે એશિયાઈ દેશોએ આ યાદીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. સિંગાપોર સતત ત્રીજા વર્ષે દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતો દેશ બન્યો છે, જેના નાગરિકો ૧૯૨ દેશોમાં વિઝા વગર જઈ શકે છે. 

ત્યારબાદ બીજા ક્રમે સંયુક્ત રીતે જાપાન અને સાઉથ કોરિયા છે, જેમના નાગરિકોને ૧૮૮ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.

આ વર્ષે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ) એ શાનદાર પ્રદર્શન કર્યું છે અને પાંચ સ્થાનના સુધારા સાથે હવે વિશ્વમાં ૫મા ક્રમે પહોંચી ગયું છે, જે તેના ૨૦ વર્ષના ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 

બીજી તરફ, અમેરિકા ફરી એકવાર વાપસી કરીને ૧૦મા સ્થાને આવી ગયું છે. પાડોશી દેશોની સ્થિતિ ચિંતાજનક છે; અફઘાનિસ્તાન ૧૦૧મા ક્રમે એટલે કે યાદીમાં સૌથી છેલ્લે છે, જ્યારે પાકિસ્તાન ૯૮મા ક્રમે છે.

(12:59 PM IST)