News of Wednesday, 14th January 2026
ટી૨૦ વર્લ્ડ કપ પહેલા અમેરિકાની ટીમને વિઝાનું વિઘ્ન: પાકિસ્તાની મૂળના ૪ ખેલાડીઓના વિઝા અટવાયા

ભારત અને શ્રીલંકામાં યોજાનારા આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ પહેલા અમેરિકાની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનમાં જન્મેલા યુએસએ ટીમના ચાર ખેલાડીઓને ભારતના વિઝા મળવામાં મુશ્કેલી પડી રહી છે.
આગામી ૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ટી૨૦ વર્લ્ડ કપ માટે યુએસએની ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકામાં તૈયારી કરી રહી છે.
અહેવાલો મુજબ, કોલંબોમાં ભારતીય હાઈ કમિશન સાથેની એપોઈન્ટમેન્ટ બાદ ટીમના ફાસ્ટ બોલર અલી ખાન સહિત ચાર ખેલાડીઓને વિઝા મળ્યા ન હતા. વિઝા ક્લિયરન્સની રાહ જોઈ રહેલા ખેલાડીઓમાં અલી ખાન, શાયાન જહાંગીર, મોહમ્મદ મોહસીન અને એહસાન આદિલનો સમાવેશ થાય છે, જેઓ મૂળ પાકિસ્તાનના છે.
આ ચાર ખેલાડીઓ સિવાય યુએસએના બાકીના તમામ ખેલાડીઓને વિઝા મળી ગયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ વિઝા નકારવામાં આવ્યા નથી પરંતુ અરજીઓ 'ઓપરેટિંગ પ્રોસેસ' હેઠળ છે અને આઈસીસીના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે યુએસએની ટીમ ૭ ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત સામે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની પહેલી મેચ રમવાની છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
