<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

ગૃહમંત્રી અમિતભાઈ શાહ 'ઉત્તરાયણ'ના રંગે રંગાયા: અમદાવાદમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ પતંગબાજીનો લુત્ફ ઉઠાવ્યો, નારણપુરામાં નવી આવાસ યોજનાનો શિલાન્યાસ

મુલાકાતના બીજા દિવસે અમિતભાઈ શાહે અમદાવાદની જનતા સાથે પેચ લડાવ્યા; પુનર્વિકાસ યોજના હેઠળ મધ્યમ વર્ગના પરિવારો માટે સૂર્યા એપાર્ટમેન્ટનો નાખ્યો પાયો

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અત્યારે પોતાના વતન ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આજે મકરસંક્રાંતિના પવિત્ર અવસરે અમિતભાઈ શાહ સવારથી જ લોકભક્તિ અને લોકઉત્સવના રંગમાં જોવા મળ્યા હતા. તેમણે અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરથી દિવસની શરૂઆત કરી હતી અને ત્યારબાદ શહેરના વિકાસ કાર્યો તેમજ ઉત્તરાયણની પતંગબાજીમાં સહભાગી થયા હતા.
જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવ્યું
ઉત્તરાયણની સવારે અમિતભાઈ શાહે જમાલપુર સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની આરતી કરી દેશની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરના મહંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નારણપુરામાં વિકાસની ભેટ: 'સૂર્યા એપાર્ટમેન્ટ'નો શિલાન્યાસ
ધાર્મિક મુલાકાત બાદ ગૃહમંત્રી સીધા નારણપુરા વિસ્તાર પહોંચ્યા હતા. અહીં તેમણે ગુજરાત હાઉસિંગ બોર્ડની પુનર્વિકાસ યોજના હેઠળ 'સૂર્યા એપાર્ટમેન્ટ સેક્શન-2'નો વિધિવત શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ દ્વારા જૂના અને જર્જરિત મકાનોના સ્થાને આધુનિક સુવિધાઓ સાથેના નવા આવાસ મધ્યમ વર્ગના પરિવારોને પ્રાપ્ત થશે.
અગાશી પર પતંગબાજી અને કાર્યકરો સાથે ઉત્સાહ
વિકાસ કાર્યો બાદ અમિતભાઈ શાહ ઉત્તરાયણના અસલી મૂડમાં દેખાયા હતા. નારણપુરામાં જ તેમણે પોતાના પરિવારના સભ્યો અને ભાજપના કાર્યકરો સાથે મળીને પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. આકાશમાં પતંગ ચગાવતા અને 'કાઈપો છે'ના નારાઓ વચ્ચે તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો હતો. કાર્યકરો સાથે પેચ લડાવીને તેમણે સાબિત કર્યું કે ભલે તેઓ દિલ્હીના રાજકારણમાં વ્યસ્ત હોય, પણ ગુજરાતી તહેવારોનો થનગનાટ તેમના હૃદયમાં આજે પણ અકબંધ છે.
ગૃહમંત્રીની આ મુલાકાતે સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો. ઉત્તરાયણ જેવા મોટા તહેવારે પોતાના નેતાને પોતાની વચ્ચે પતંગ ઉડાડતા જોઈ અમદાવાદીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

(6:21 PM IST)