News of Wednesday, 14th January 2026
ઈરાનમાં લોખંડી મુઠ્ઠી વિરુદ્ધ જનતાનો જંગ: સરકારે બળપ્રયોગથી દેખાવો તો દબાવ્યા, પણ શું જનતાના હૃદયમાં લાગેલી આક્રોશની આગ ઠરશે?
૮૬ વર્ષીય સર્વોચ્ચ નેતા ખામેની માટે અસ્તિત્વનું સંકટ; ૫૦ વર્ષના શાસન પછી જનતાને મળ્યો વિશ્વાસઘાત, વિશ્લેષકો કહે છે - સરકાર માત્ર સમય ખરીદી રહી છે

તેહરાન: ઈરાનમાં ઈસ્લામિક રિપબ્લિક વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ અત્યાર સુધીનું સૌથી આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. શેરીઓમાં ઉતરેલી હજારોની મેદની અને સરકાર દ્વારા કરવામાં આવેલી લોહિયાળ કાર્યવાહીએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. તેહરાન સહિતના મોટા શહેરોમાં બહુમાળી ઇમારતોને થયેલું નુકસાન અને રસ્તાઓ પર લાગેલી આગ સાક્ષી પૂરે છે કે ઈરાની જનતા હવે આરપારના મૂડમાં છે. જોકે, નિષ્ણાતો માને છે કે સરકાર હાલ પૂરતી આ અશાંતિને ડામી દેવામાં સફળ રહી છે, પરંતુ તે કાયમી ઉકેલ નથી.
ખામેનીના શાસન પર તોળાતું જોખમ
ઈરાનના ૮૬ વર્ષીય સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેની અને તેમનું શાસન આ પ્રદર્શનોને પોતાના અસ્તિત્વ માટે ખતરો માની રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના વિશ્લેષક અલી વાએઝના જણાવ્યા અનુસાર, "શાસને અસ્તિત્વનો ભય અનુભવતા જ અત્યંત નિર્દયતાથી દમનકારી નીતિ અપનાવી છે. આ રાઉન્ડ ભલે પૂરો થયો હોય, પણ સરકારે માત્ર આગામી સંઘર્ષ સુધીનો સમય જ ખરીદ્યો છે."
૧૯૭૯ની ક્રાંતિ જેવી સ્થિતિનું નિર્માણ?
ઘણા ઈરાનીઓ આશા રાખી રહ્યા છે કે આ વિરોધ પ્રદર્શનો ૧૯૭૯ની ક્રાંતિ જેવું પરિણામ લાવશે, જ્યારે ઈરાનના શાહને ઉથલાવી દેવામાં આવ્યા હતા. છેલ્લા ૫૦ વર્ષથી સત્તામાં રહેલી સરકાર પર લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. સામાન્ય નાગરિકોનું માનવું છે કે સરકારે તેમને વધુ સારા જીવનનું વચન આપીને વિશ્વાસઘાત કર્યો છે. વૈચારિક રીતે આ શાસન હવે અંદરથી પોકળ બની ગયું હોય તેવું જણાય છે.
ઈન્ટરનેટ બ્લેકઆઉટ અને અજ્ઞાત મૃત્યુઆંક
સરકારે માહિતીનો પ્રવાહ રોકવા માટે સમગ્ર દેશમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દીધો છે, જેના કારણે ચોક્કસ કેટલા લોકોના મોત થયા છે તેનો આંકડો મેળવવો મુશ્કેલ છે. તેમ છતાં, જનતાનો ગુસ્સો ઓછો થયો નથી. જોન્સ હોપકિન્સ સ્કૂલના નિષ્ણાત વાલી નાસરે ચેતવણી આપી છે કે, "ભલે દેખાવો હમણાં શાંત દેખાય, પણ પ્રજાના મનમાં જન્મેલો રોષ ઓગળ્યો નથી. આ જ્વાળામુખી ગમે ત્યારે ફરી ફાટી શકે છે."
ઈરાનની સરકાર હાલમાં બંદૂકના જોરે અવાજ દબાવવામાં સફળ રહી હશે, પણ ભવિષ્યમાં રાજ્ય અને સમાજ વચ્ચેનો આ સંઘર્ષ વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
