News of Wednesday, 14th January 2026
બિહારમાં ‘તેજ્જુ ભૈયા’ની દહીં-ચૂડા મિજબાની સુપર હિટ: પિતા લાલુ યાદવે આપ્યા આશીર્વાદ, પણ નાના ભાઈ તેજસ્વી માટે તેજ પ્રતાપે માર્યો એવો ટોણો કે સૌ સ્તબ્ધ!
“નાનો ભાઈ મોડો ઉઠે છે...” તેજસ્વીની ગેરહાજરી પર તેજ પ્રતાપનું વિવાદાસ્પદ નિવેદન; રાજ્યપાલ અને ડેપ્યુટી CM ની હાજરીએ રાજકીય ગરમાવો વધાર્યો, શું લાલુ પરિવારના વિખવાદનો આવશે અંત?

પટના: બિહારમાં મકરસંક્રાંતિના પર્વ પર રાજકીય મિજબાનીઓનો દોર જામ્યો છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે તેમના નિવાસસ્થાને આયોજિત કરેલી 'દહીં-ચૂડા' મિજબાની આ વર્ષે ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે. આ કાર્યક્રમમાં ખુદ લાલુ યાદવ અને બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ આ મિજબાનીમાં સૌથી વધુ ચર્ચા તેજ પ્રતાપના એ નિવેદનની થઈ રહી છે જે તેમણે પોતાના નાના ભાઈ તેજસ્વી યાદવ માટે આપ્યું છે.
“તે થોડો મોડો ઉઠે છે...”: મિજબાનીમાં જ્યારે પત્રકારોએ તેજ પ્રતાપને પૂછ્યું કે, "તમારા નાના ભાઈ અને વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ક્યાં છે?" ત્યારે તેજ પ્રતાપે મજાકિયા પણ કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું, "મેં મારા નાના ભાઈને આમંત્રણ તો મોકલ્યું જ છે, પણ તે થોડો મોડો ઉઠે છે." આ નિવેદન સાંભળીને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, તેજ પ્રતાપે તરત જ વાત વાળી લેતા કહ્યું કે, પિતા લાલુજી અને રાજ્યપાલના આશીર્વાદ મળ્યા છે, જે મારા માટે ખૂબ મહત્વના છે.
પોતાની આગવી શૈલી માટે જાણીતા તેજ પ્રતાપ યાદવે ગર્વથી કહ્યું કે, "જો તેજ્જુ ભૈયાની મિજબાની સુપર-ડુપર હિટ ન હોય તો કોની હોય? જનશક્તિ જનતા દળ એ લોકોની શક્તિથી બનેલી પાર્ટી છે અને તેને કોઈ રોકી શકશે નહીં." આ મિજબાનીમાં બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ પણ હાજરી આપી હતી, જેને કારણે બિહારના રાજકીય સમીકરણોમાં નવી અટકળો તેજ થઈ છે.
લાલુ પ્રસાદ યાદવે જે રીતે તેજ પ્રતાપના ઘરે જઈને મિજબાની માણી અને પુત્રને આશીર્વાદ આપ્યા, તેનાથી બિહારના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે શું તેજ પ્રતાપ ફરીથી આરજેડી અને પરિવારના મુખ્ય પ્રવાહમાં જોડાશે? લાલુ યાદવે સ્પષ્ટ કહ્યું કે, "મને મારા પુત્ર પ્રત્યે કોઈ નારાજગી નથી, આ તહેવાર છે અને બધાએ સાથે હોવું જોઈએ." બિહારની આગામી ચૂંટણીઓ પહેલા લાલુ પરિવારમાં જોવા મળતી આ નિકટતા વિરોધ પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
