<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

આસામના ચૂંટણી સંગ્રામમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી: હિમંતા બિસ્વા શર્માની ‘વન મેન આર્મી’ સામે કોંગ્રેસનો માસ્ટરપ્લાન, શું ગૌરવ ગોગોઈનો હાથ મજબૂત થશે?

માર્ચ-એપ્રિલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધીને સોંપાઈ મહત્વની જવાબદારી; ભાજપના ‘વિકાસવાદ’ અને હિમંતા લહેરને રોકવા માટે કોંગ્રેસે ફેંક્યો ટ્રમ્પ કાર્ડ

ગુવાહાટી:  આસામ વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના શક્તિશાળી નેતા હિમંતા બિસ્વા શર્માના પ્રભાવને ખાળવા માટે કોંગ્રેસે હવે પ્રિયંકા ગાંધી વાડ્રાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પ્રિયંકાને વિધાનસભા ચૂંટણી સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ બનાવીને એક સુનિયોજિત રણનીતિનો સંકેત આપ્યો છે. ભાજપ પાસે જ્યારે હિમંતા જેવું કરિશ્માઈ વ્યક્તિત્વ છે, ત્યારે કોંગ્રેસ પ્રિયંકાના સહારે ગૌરવ ગોગોઈની ટીમને મજબૂત કરવા માંગે છે.
 આસામમાં અત્યારે ‘હિમંતા લહેર’ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ગુવાહાટીનો બદલાયેલો ચહેરો, નવા બ્રિજ અને ઓડિટોરિયમ જેવી માળખાકીય સુવિધાઓ ભાજપની મજબૂત કડી છે. હિમંતા બિસ્વા શર્માની ‘અરુણોદય યોજના’ અને તાજેતરમાં બિહુ ભેટ તરીકે જાહેર કરેલા ₹૮,૦૦૦ એ મતદારોમાં ભાજપની પકડ વધુ મજબૂત કરી છે. પત્રકારોના મતે, હિમંતા અત્યારે આસામમાં એક એવી ‘વન મેન આર્મી’ છે જેને પડકારવું કોઈ પણ માટે મુશ્કેલ છે.
 પ્રિયંતા ગાંધી માટે આસામનો રસ્તો આસાન નથી. તેમનો મુખ્ય પડકાર પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ રોકવાનો અને નાના પક્ષો સાથે ગઠબંધન મજબૂત કરવાનો છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને તેમની સાથે નિરીક્ષક તરીકે રાખવામાં આવ્યા છે, જે સૂચવે છે કે કોંગ્રેસ આ વખતે ‘દક્ષિણ અને ઉત્તર’ના સંગમ સાથે આક્રમક રણનીતિ અપનાવશે. પ્રિયંકાનું મિશન યોગ્ય ઉમેદવારોની પસંદગી અને ટિકિટ વિતરણમાં પારદર્શિતા લાવવાનું રહેશે.
ગઈ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતોનો તફાવત માત્ર ૧.૬ ટકા હતો, જેનાથી કોંગ્રેસને આશા છે કે જો યોગ્ય રણનીતિ અપનાવવામાં આવે તો ૨ ટકાનો આ ગેપ ભરી શકાય તેમ છે. હિમંતા સતત ગૌરવ ગોગોઈને પાકિસ્તાન અને આઈએસઆઈના મુદ્દે ઘેરી રહ્યા છે, ત્યારે પ્રિયંકા ગાંધીની હાજરી કોંગ્રેસી કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પ્રિયંકાની ‘ગાંધી બ્રાન્ડ’ આસામમાં હિમંતાના ‘વિકાસ બ્રાન્ડ’ સામે ટકી શકશે કે નહીં.

(8:33 PM IST)