<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

સીમા પર પાકિસ્તાની ‘ડ્રોન વોર’નો ભારતે આપ્યો કરારો જવાબ: જમ્મુ-કાશ્મીરમાં હાઈ-એલર્ટ વચ્ચે ૫ શંકાસ્પદ ડ્રોન પર સેનાનો ધુઆંધાર ગોળીબાર

૩ દિવસમાં બીજી વાર પાકિસ્તાને કરી નાપાક ઘૂસણખોરીની કોશિશ; હથિયારો મોકલવાનું ષડયંત્ર નિષ્ફળ બનાવવા બોર્ડર પર સેનાનું તોફાની સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરની સરહદ પર પાકિસ્તાન પોતાની આદત મુજબ ફરી એકવાર નાપાક હરકતો પર ઉતરી આવ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના ડ્રોન કાવતરાને નિષ્ફળ બનાવવા માટે આખી સીમા પર ‘હાઈ-એલર્ટ’ જાહેર કરી દીધું છે. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે જ્યારે પાકિસ્તાને ભારતીય સરહદમાં ડ્રોન ઘુસાડવાનો પ્રયાસ કર્યો છે. જોકે, સતર્ક ભારતીય સુરક્ષાબળોએ પાંચ શંકાસ્પદ ડ્રોન પર જોરદાર ફાયરિંગ કરીને પાકિસ્તાની ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે.
 ભારતીય સેનાને પાકા ઇનપુટ્સ મળ્યા છે કે પાકિસ્તાની આતંકી સંગઠનો અને ત્યાંની એજન્સીઓ ડ્રોનનો ઉપયોગ કરીને ભારતીય સીમામાં હથિયારો, વિસ્ફોટકો અને ડ્રગ્સ મોકલવાની ફિરાકમાં છે. આ કાવતરાને જોતા જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સેનાએ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. દરેક શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને આધુનિક રડાર સિસ્ટમ દ્વારા આકાશમાં પણ ચોકીદારી વધારી દેવાઈ છે.
 બુધવારે સાંજે જ્યારે અંધારું થવા આવ્યું ત્યારે ફરી એકવાર પાકિસ્તાની તરફથી ડ્રોનનો અવાજ સંભળાતા જવાનો એક્શનમાં આવ્યા હતા. એક સાથે પાંચ ડ્રોન અલગ-અલગ પોઈન્ટ્સ પરથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ભારતીય જવાનોએ ત્વરિત ફાયરિંગ શરૂ કરી દેતા આ ડ્રોન પાછા ભાગવા મજબૂર થયા હતા. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે ગાઢ ધુમ્મસનો લાભ લઈને પાકિસ્તાન આ પ્રકારના હુમલા કે ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે.
બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં રહેતા લોકોને પણ સાવધ કરી દેવામાં આવ્યા છે. સેના અને પોલીસની સંયુક્ત ટીમો દરેક જંગલ અને ખીણોમાં તપાસ કરી રહી છે કે ક્યાંય કોઈ ડ્રોન દ્વારા સામાન ફેંકવામાં તો નથી આવ્યો ને? સેનાના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનની કોઈપણ ઉશ્કેરણીનો જવાબ હવે માત્ર રક્ષણાત્મક નહીં પણ આક્રમક રીતે આપવામાં આવશે. સરહદ પર અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે જવાનો પળેપળની નજર રાખી રહ્યા છે.

(9:02 PM IST)