News of Wednesday, 14th January 2026
બિહારના રાજકારણમાં ‘દહીં-ચૂડા’નો ગરમાવો: તેજસ્વીની ગેરહાજરી પર તેજ પ્રતાપનો વિસ્ફોટક કટાક્ષ - “તેમને ‘જયચંદો’એ ઘેરી લીધા હશે!”
મોટા ભાઈની મિજબાનીમાં નાના ભાઈની બાદબાકી; તેજ પ્રતાપે મમતા બેનર્જીને પણ લપેટામાં લીધા, કહ્યું- “દીદી અત્યારે જયચંદની છાવણીમાં છે, હું તેમની સામે ચૂંટણી લડીશ”

પટના: બિહારના પૂર્વ મંત્રી અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ પોતાની અનોખી શૈલી અને બેબાક નિવેદનો માટે જાણીતા છે. મકરસંક્રાંતિના પવિત્ર અવસરે તેમણે આયોજિત કરેલી ‘દહીં-ચૂડા’ મિજબાનીમાં પિતા લાલુ યાદવ અને વિરોધ પક્ષના નેતાઓ તો ઉમટી પડ્યા, પરંતુ નાના ભાઈ તેજસ્વી યાદવની ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ બાબતે જ્યારે તેજ પ્રતાપને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવો કટાક્ષ કર્યો કે પટનાથી લઈને દિલ્હી સુધીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
તેજસ્વી યાદવ મિજબાનીમાં કેમ ન આવ્યા? આ સવાલના જવાબમાં તેજ પ્રતાપે તીખું તીર છોડતા કહ્યું કે, “કદાચ આજુબાજુના ‘જયચંદો’એ (ગદ્દારોએ) તેમને ઘેરી લીધા હશે, એટલે જ તેઓ અહીં આવી શક્યા નથી. હું રાત્રે ૯ વાગ્યા સુધી તેમની રાહ જોઈશ.” તેમણે મીડિયાને પણ ટકોર કરી કે તમે પોતે જ તેજસ્વીને પૂછો કે તેઓ કેમ ન આવ્યા? આમંત્રણ તો અમે આપ્યું જ હતું. તેજ પ્રતાપના આ ‘જયચંદ’ વાળા નિવેદને ઈશારો કર્યો છે કે તેજસ્વીની આસપાસ એવા લોકો છે જે બંને ભાઈઓને એક થવા દેતા નથી.
માત્ર બિહાર જ નહીં, તેજ પ્રતાપે પશ્ચિમ બંગાળના રાજકારણ પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આગામી ચૂંટણીમાં મમતા બેનર્જીની સાથે નહીં, પરંતુ તેમની સામે લડશે. તેમણે ઉમેર્યું કે, “મમતા દીદી અત્યારે જયચંદની છાવણીમાં છે. મેં અગાઉ પણ ચૂંટણી લડી છે અને હાર્યો છું, પણ જે હંમેશા જીતે છે તે હારી પણ શકે છે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેજ પ્રતાપ હવે પોતાની પાર્ટી ‘જનશક્તિ જનતા દળ’ને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા મક્કમ છે.
લાલુ પ્રસાદ યાદવે મોટા પુત્રની મિજબાનીમાં હાજરી આપીને પારિવારિક એકતા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. તેજ પ્રતાપે ગર્વથી કહ્યું કે, “પિતાજી આવ્યા એટલે સાબિત થાય છે કે અમારી પાર્ટી જ વાસ્તવિક છે. મને મંત્રી બનાવવો કે નહીં તે બીજાના હાથમાં છે, પણ હું મારી યાત્રા શરૂ કરી ચૂક્યો છું.” આ મિજબાનીમાં ડેપ્યુટી સીએમ વિજય સિંહા અને પશુપતિ પારસ જેવા નેતાઓની હાજરીએ બિહારમાં નવા રાજકીય સમીકરણો રચાવવાના સંકેત આપ્યા છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
