<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

દિલ્હી બન્યું 'ગેસ ચેમ્બર': AQI 400ને પાર પહોંચતા શ્વાસ લેવો પણ બન્યો દુષ્કર

ઝેરીલી હવામાં કેદ થઈ રાજધાની: જહાંગીરપુરી અને નેહરુ નગર જેવા વિસ્તારોમાં પ્રદૂષણ 'ગંભીર' સ્તરે પહોંચ્યું : પવનની મંદ ગતિ અને વધતી ઠંડીને કારણે આગામી સમયમાં પણ રાહત મળવાના એંધાણ નથી

નવી દિલ્હી:  રાજધાની દિલ્હી હાલમાં પ્રદૂષણના ઓછાયા હેઠળ જીવી રહી છે, જ્યાં હવાની ગુણવત્તા સતત 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાઈ રહી છે. બુધવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 353 નોંધાયો હતો, પરંતુ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આ આંકડો 400ને વટાવી જતાં સ્થિતિ 'ગંભીર' બની ગઈ છે. જહાંગીરપુરી, નેહરુ નગર અને પુસા જેવા વિસ્તારોમાં હવાનું સ્તર એટલું કથળ્યું છે કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો થઈ રહી છે. દિલ્હીના આકાશ પર છવાયેલા ધુમ્મસના જાડા થરને કારણે જાણે આખું શહેર ઝેરી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.

હવામાનશાસ્ત્રીઓના મતે, દિલ્હીવાસીઓને હાલમાં આ પ્રદૂષણમાંથી મુક્તિ મળવાની કોઈ શક્યતા દેખાતી નથી. પવનની ગતિ 10 કિમી પ્રતિ કલાકથી ઓછી હોવાને કારણે હવામાં રહેલા પ્રદૂષિત કણો વિખેરાઈ શકતા નથી અને જમીનની નજીક જ જમા રહે છે. આ ઉપરાંત, ઘટતા તાપમાન અને વધતી ઠંડીએ 'સ્મોગ'ની સમસ્યામાં વધારો કર્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના આંકડા દર્શાવે છે કે હવામાં PM2.5 નું સ્તર સામાન્ય કરતા ત્રણ ગણું વધારે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમની આગાહી મુજબ, આગામી બે-ત્રણ દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. પ્રદૂષકોના વિસર્જનની પ્રક્રિયા ધીમી હોવાથી દિલ્હી અને એનસીઆર (NCR) ના વિસ્તારોમાં ધુમ્મસ અને પ્રદૂષણની ચાદર યથાવત રહેશે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળના કડક નિયમો લાગુ કરવા છતાં કુદરતી પરિબળો સાથ ન આપતા હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

(9:55 PM IST)