News of Thursday, 15th January 2026
અમેરિકા ઈરાન ઉપર લાંબા યુદ્ધને બદલે 'ઝડપી અને નિર્ણાયક' હુમલો કરવાના મૂડમાં
ટ્રમ્પના સલાહકારો ખાતરી આપી શક્યા નથી કે હુમલા બાદ ઈરાની શાસન તાત્કાલિક પડી ભાંગશે.: કતારના અલ ઉદેઇદ બેઝ પરથી સૈન્યનું સ્થળાંતર અટકાવાયું

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સુરક્ષા સલાહકારોને ઈરાન સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે, પરંતુ તેઓ લાંબુ યુદ્ધ ઈચ્છતા નથી. બીજી તરફ, મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાની આશાએ કતારમાં અમેરિકી સૈન્યની હિલચાલ થંભી ગઈ છે.
વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોન સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવાની થાય, તો તે "ઝડપી અને નિર્ણાયક" હોવી જોઈએ. ટ્રમ્પ એવું ઈચ્છતા નથી કે આ સંઘર્ષ અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી ચાલે.
એનબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ લશ્કરી વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે, જેને હવે ટ્રમ્પના ઉદ્દેશ્યો મુજબ વધુ સચોટ બનાવવામાં આવ્યા છે. જોકે, ટ્રમ્પના સલાહકારો તેમને એ ખાતરી આપી શક્યા નથી કે હુમલા બાદ ઈરાની શાસન તાત્કાલિક પડી ભાંગશે.
આ દરમિયાન, કતારના અલ ઉદેઇદ એર બેઝ પર ભારે હલચલ જોવા મળી હતી. વધતા તણાવને કારણે બિન-જરૂરી કર્મચારીઓને ત્યાંથી ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
જોકે, બુધવારે બપોરે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન બાદ પરિસ્થિતિ બદલાઈ હતી. અધિકારીઓના મતે ટ્રમ્પનું નિવેદન તણાવ ઘટાડવા તરફનો સંકેત હતું. આ નિવેદન બાદ, કતારથી ગ્રીસ જવા માટે તૈયાર બે સી-૧૭ ગ્લોબમાસ્ટર વિમાનોને ઉડાન ભરતા અટકાવી દેવાયા હતા અને તેમને સ્ટેન્ડબાય પર રહેવા સૂચના અપાઈ હતી.
લાંબા અંતરના બોમ્બરોને પણ હુમલા માટે એલર્ટ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તે આદેશ પણ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું જણાય છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
