<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ગજબનો પ્રેમઃ આસામની યુવતી માટે ‘નેનશૂ' બની ‘નમન': ૬ લાખ ખર્ચીને સર્જરી કરાવી

છોકરીને છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને પછી બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા

અશોકનગર,તા.૧૫: મધ્‍ય પ્રદેશથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્‍યો છે. મધ્‍ય પ્રદેશના અશોકનગર જિલ્‍લાના એક નાનકડા ગામની યુવતીને ઉત્તર-પૂર્વના રાજ્‍ય આસામની એક યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા થઈ અને પછી પ્રેમ થઈ ગયો. જી હા, છોકરીને છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને આ પ્રેમ વધુને વધુ ગાઢ બન્‍યો. આસામની અનીતાએ સૌથી પહેલા નેનશૂને પોતાના ઘરે આસામ બોલાવી. ત્‍યાં નેનશૂ ૬ દિવસ સુધી અનીતાના ઘરે રહી. પહેલા દિવસે અનીતાને નેનશૂના પ્રેમના ઇજહાર પર વિશ્વાસ ન થયો, પણ વારંવાર ઇજહાર કરવાથી અનીતાએ વિશ્વાસ કર્યો અને બંને વચ્‍ચે ફોન પર વાતચીત શરૂ થઈ. નેનશૂએ અનીતાને કહ્યું કે તે ઓપરેશન કરાવીને છોકરો બની શકે છે. આથી અનીતાને નેનશૂના પ્રેમ પર પૂરો ભરોસો થઈ ગયો. ૬ દિવસની મુલાકાતના ૬ મહિના પછી બંને આસામથી ભાગીને ઇન્‍દોર ગયાં અને સાથે રહેવા લાગ્‍યાં. લાંબી મહેનત પછી નેનશૂ હવે 'નમન' બની ગઈ છે.

સમગ્ર મામલે વિગવાતવાર વાત કરીએ તો અશોકનગર જિલ્‍લાની ૨૫ વર્ષીય નેનશૂ, જે બરખેડા ગામમાં રહેતી હતી, જન્‍મથી છોકરી હતી, પણ તેની લાગણીઓ છોકરાઓ જેવી હતી. આ તેના માટે લાંબા સમય સુધી આંતરિક સંઘર્ષનો વિષય રહ્યો. ઘણા વર્ષો સુધી તે આ ગૂંચવણ સામે લડતી રહી, પણ જીતી ન શકી. પછી જ્‍યારે તેને એક છોકરી સાથે પ્રેમ થયો, ત્‍યારે તેણે પોતાના પ્રેમને મેળવવા માટે આ સંઘર્ષ જીતી લીધો.

સોશિયલ મીડિયા દ્વારા નેનશૂની મુલાકાત આસામની અનીતા સાથે થઈ. નેનશૂએ છોકરી હોવા છતાં પોતાને છોકરાની જેમ અનુભવતાં અનીતાને પ્રેમનો ઇજહાર કર્યો. શરૂઆતમાં અનીતાને વિશ્વાસ ન થયો અને તેણે ના પાડી કે આપણે બંને છોકરીઓ છીએ, આ કેવી રીતે શક્‍ય છે? સોશિયલ મીડિયા પર વાતચીત પછી બંને અસમમાં મળ્‍યાં. નેનશૂ અનીતાના ઘરે ૬ દિવસ રહી અને વારંવાર કહેવાથી અનીતાએ તેની વાત પર વિશ્વાસ કર્યો. નેનશૂએ અનીતા સામે પોતાનું જેન્‍ડર બદલવાની વાત કરી.

૬ દિવસ પછી નેનશૂ પોતાના ગામ પરત ફરી, પણ ૬ મહિના પછી બંને ઘરેથી ભાગીને ઇન્‍દોર ગયાં. ત્‍યાં બંનેએ નોકરીઓ કરી અને ત્રણ વર્ષમાં આશરે ૬ લાખ રૂપિયા બચાવ્‍યા. પછી દિલ્‍હીમાં સર્જરી કરાવી. બંને પોતાના પ્રેમ પર અડગ રહ્યાં. કદાચ ગામડા સાથે જોડાયેલો આ પહેલો કિસ્‍સો છે, જ્‍યાં કોઈ છોકરીએ બીજી છોકરી સાથેના પ્રેમ માટે પોતાનું જેન્‍ડર બદલાવ્‍યું. નેનશૂની ૫ મહિનામાં ત્રણ સર્જરી થઈ, જેમાં ઘણું દુઃખ પણ સહન કરવું પડ્‍યું. હવે નેનશૂના પરિવારજનો પણ ખુશ છે. તે નેનશૂથી 'નમન' બની ગઈ છે.

નેનશૂ સૂર્યવંશી હવે નમન બનીને પોતાના ગામ બરખેડામાં રહે છે. નેનશૂ અને અનીતાએ પોતાના પ્રેમનો ઈઝહાર કર્યા પછી પરિવારજનોને જણાવ્‍યું. શરૂઆતમાં ઘણો વિરોધ થયો, પણ પછી ઘરવાળાઓ માની ગયા. હવે આ સમાચાર સાંભળીને લોકો તેમને મળવા તેમના ઘરે પહોંચી રહ્યા છે

(10:02 AM IST)