News of Thursday, 15th January 2026
સબરીમાલા સોનાના કૌભાંડમાં મોટી કાર્યવાહી: દેવસ્વમ બોર્ડના પૂર્વ સભ્ય શંકરદાસની હોસ્પિટલમાંથી ધરપકડ
હાઈકોર્ટની સ્પેશિયલ ટીમનો એક્શન પ્લાન: ૧૧મા આરોપી શંકરદાસ બીમારીનું બહાનું ધરી સારવાર હેઠળ હતા ત્યારે જ પોલીસે સકંજો કસ્યો

તિરુવનંતપુરમ, તા. ૧૫ : કેરળના વિશ્વ પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના સોનાના વિવાદે ફરી એકવાર વેગ પકડ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. કેરળ હાઈકોર્ટની સીધી દેખરેખ હેઠળ કામ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT) એ ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (TDB) ના ભૂતપૂર્વ પ્રભાવશાળી સભ્ય કે.પી. શંકરદાસની વિધિવત ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહીને પગલે મંદિર વહીવટ અને રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હોસ્પિટલના પલંગ પરથી થઈ ધરપકડ
છેલ્લા કેટલાય સમયથી તપાસ ટુકડીની નજર હેઠળ રહેલા શંકરદાસની ધરપકડ ડ્રામેટિક રીતે કરવામાં આવી હતી. તેઓ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તપાસ ટીમે તેમની તબિયત અને મેડિકલ રિપોર્ટ્સની ચકાસણી કર્યા બાદ ધરપકડનો નિર્ણય લીધો હતો. આ કેસમાં શંકરદાસ ૧૧મા આરોપી તરીકે નોંધાયેલા છે. તેમના પર મંદિરના કિંમતી સોનાના વ્યવહારોમાં ગેરરીતિ અને પદનો દુરુપયોગ કરવાના ગંભીર આક્ષેપો છે.
શું છે સમગ્ર વિવાદ?
સબરીમાલા મંદિરના સોનાના આભૂષણો અને ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા સોનાના હિસાબમાં ગરબડ હોવાના આક્ષેપો બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે જેથી ભક્તોની આસ્થા અને મંદિરની સંપત્તિ સુરક્ષિત રહે. શંકરદાસ દેવસ્વમ બોર્ડના સભ્ય હોવાને કારણે તેમની પાસે વહીવટી સત્તાઓ હતી, જેનો ઉપયોગ સોનાના આ કથિત કૌભાંડમાં કરવામાં આવ્યો હોવાની આશંકા છે.
આગળની તપાસમાં મોટા નામો ખૂલવાની શક્યતા
શંકરદાસની ધરપકડ બાદ હવે વિશેષ તપાસ ટીમ તેમને રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની પૂછપરછ દરમિયાન સોનાના વિવાદ સાથે જોડાયેલા અન્ય કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને વગદાર વ્યક્તિઓના નામ પણ સામે આવી શકે છે. અત્યારે સમગ્ર કેરળમાં આ ધરપકડ ચર્ચાનો વિષય બની છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
