<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ઈરાનમાં યુદ્ધના એંધાણ? બ્રિટને તેહરાનમાંથી દૂતાવાસ સંકેલી તમામ રાજદ્વારીઓને પાછા બોલાવ્યા

ટ્રમ્પના સંભવિત લશ્કરી હુમલાના અહેવાલો અને હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે મધ્ય પૂર્વમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: હવે 'રીમોટલી' ચાલશે બ્રિટિશ એમ્બેસી

 
તેહરાન, તા. ૧૫ : પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના નગારા વાગી રહ્યા હોય તેવી સ્ફોટક સ્થિતિ પેદા થઈ છે. ઈરાનમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને તેના પર સરકારની કડક કાર્યવાહી બાદ વધતા આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે યુનાઇટેડ કિંગડમ (UK) એ તેહરાન સ્થિત પોતાનું દૂતાવાસ અસ્થાયી રૂપે બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. સુરક્ષાના કારણોસર બ્રિટને તેના તમામ રાજદ્વારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી ઈરાન છોડી દેવા આદેશ આપ્યો છે.
દૂરસ્થ રીતે કાર્યરત રહેશે મિશન
યુકેના વિદેશ કાર્યાલયે આ ગંભીર નિર્ણયની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, તેહરાનમાં સ્થિત બ્રિટિશ દૂતાવાસ હવે ભૌતિક રીતે બંધ રહેશે, પરંતુ તેની કામગીરી અન્ય સુરક્ષિત સ્થળેથી એટલે કે 'રીમોટલી' (દૂરસ્થ રીતે) ચાલુ રાખવામાં આવશે. આ પગલું બ્રિટિશ નાગરિકો અને રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, કારણ કે ઈરાનમાં પ્રવર્તી રહેલી અરાજકતા ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
ટ્રમ્પના આક્રમક વલણથી ગભરાટ
બ્રિટનનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાઓ પર સંભવિત લશ્કરી હુમલા કરવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યા હોવાના અહેવાલો વહેતા થયા છે. આ પ્રાદેશિક અસ્થિરતાને જોતા માત્ર બ્રિટન જ નહીં, પણ અમેરિકાએ પણ કતારમાં આવેલા પશ્ચિમ એશિયાના સૌથી મોટા સૈન્ય મથક 'અલ ઉદેદ એર બેઝ' પરથી પોતાના કેટલાક બિન-આવશ્યક કર્મચારીઓને હટાવવાનું શરૂ કરી દીધું છે.
અમેરિકન નાગરિકોને ઈરાન છોડવા સૂચના
સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઈરાન માટેના અમેરિકાના વર્ચ્યુઅલ દૂતાવાસે પહેલાથી જ એડવાઈઝરી જારી કરીને તમામ અમેરિકન નાગરિકોને તુરંત ઈરાન છોડી દેવા તાકીદ કરી છે. રાજદ્વારીઓની સામૂહિક વિદાય એ સંકેત આપે છે કે આગામી દિવસોમાં ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેનો આ ટકરાવ કોઈ નવા વળાંક પર પહોંચી શકે છે.

(3:27 PM IST)