News of Thursday, 15th January 2026
નાગપુર જિલ્લાના રામટેક વિસ્તારમાં 103 વર્ષની એક વૃદ્ધ મહિલા મૃત્યુ પામી હોવાનું પરિવારે માની લીધું : અંતિમ સંસ્કારની દરેક વિધિ લગભગ થઈ ગઈ હતી ત્યારે જ અચાનક એક એવી ઘટના બની જેણે શોકના વાતાવરણને સેલિબ્રેશનમાં બદલી નાખ્યું
મોટી ઉંમરે ક્યારેક શરીરની ગતિવિધિઓ એકદમ ધીમી થઈ જાય છે. શ્વાસ અને નાડી એટલી ધીમી પડી જાય છે કે આપણને ભ્રમ થાય આવી પરિસ્થિતિમાં ઉતાવળ કરવા કરતા મેડિકલ તપાસ જરૂરી

નાગપુર તા.૧૫ : જે ઘરમાં મૃત્યુની પોક સંભળાઈ રહી હતી, લોકો રડી રહ્યા હતા, ત્યાં થોડીક જ મિનિટોમાં તાળીઓ ગુંજવા લાગી, લોકો અચાનક ખુશખુશાલ દેખાવા લાગ્યા. જે ઘરમાંથી અર્થી નીકળવાની તૈયારી હતી, લોકો સ્મશાન જવાના હતા, ત્યાં જ અચાનક કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરાઈ. આ વિચિત્ર ઘટના મહારાષ્ટ્રના નાગપુરની છે. નાગપુર જિલ્લાના રામટેક વિસ્તારમાં 103 વર્ષની એક વૃદ્ધ મહિલા મૃત્યુ પામી હોવાનું પરિવારે માની લીધું હતું. અંતિમ સંસ્કારની દરેક વિધિ લગભગ થઈ ગઈ હતી. પરંતુ ત્યારે જ અચાનક એક એવી ઘટના બની, જેણે શોકના વાતાવરણને સેલિબ્રેશનમાં બદલી નાખ્યું.
અચાનક હલવા લાગ્યા પગ
મૃત માનવામાં આવેલી મહિલાના પગ અચાનક હલવા લાગ્યા. દરેક વ્યક્તિ ચોંકી ગઈ હતી. જે મહિલાને અંતિમ વિદાય આપવાની હતી, તે તો જીવતી હતી! ફિલ્મી લાગતી આ ઘટના નાગપુર જિલ્લાના રામટેક વિસ્તારની છે. જ્યાં રહેતા 103 વર્ષના ગંગાબાઈ સાખરેને સોમવારે સાંજે મૃત માની લેવામાં આવ્યા હતા. પરિવારનું માનવું છે કે તેમના શ્વાસ બંધ હતા, શરીર હલનચલન કરતું નહોતું. તેમની ઉંમર વધારે હોવાને કારણે કોઈને શંકા ન ગઈ અને પરિવારજોને સગાસંબંધીઓને ફોન કરી દીધા. અંતિમ સંસ્કારની તૈયારી કરી લેવાઈ.
મહિલા જીવતી થઈ!
મંગળવારે સવારે ગંગાબાઈને નવા કપડા પહેરાવવામાં આવ્યા. હાથ, પગ બાંધી દેવાયા, નાકમાં રૂ લગાવી દેવામાં આવ્યું. સગાસંબંધીઓ પણ આવી પહોંચ્યા. આખો માહોલ શોકમય હતો. ત્યારે ગંગાબાઈના પૌત્ર રાકેશ સાખરેની નજર વૃદ્ધાના પગ પર ગઈ. તેને લાગ્યુ પગ હલી રહ્યા છે. પહેલા તો કોઈને ભરોસો ન પડ્યો. પરંતુ જેવું નાકમાંથી રૂ કાઢી લીધું કે ગંગાબાઈએ ઉંડો શ્વાસ લીધો. આખા ઘરમાં હોબાળો મચી ગયો. જે મહિલાને મૃત માની લેવાઈ હતી, તે જીવતી હતી.
ડૉક્ટરે પણ કરી તપાસ
આ ઘટના થોડી જ વારમાં આસપાસના ગામોમાં પણ ફેલાઈ ગઈ. ગંગાબાઈને લોકો ચમત્કાર તરીકે ઓળખવા લાગ્યા. અડધા દિવસે તો મોટી સંખ્યામાં લોકો તેમને જોવા અને આશીર્વાદ મેળવવા આવવા લાગ્યા. પરિવારે બાદમાં ડૉક્ટરને પણ બોલાવ્યા અને હાલ ગંગાબાઈની તબિયત એકદમ બરાબર છે. મળતી માહિતી પ્રમાણે પરિવાર પણ આખી ઘટનાને ચમત્કાર જ માની રહ્યો છે. રાકેશ સાખરેનું કહેવું છે કે જો તેણે પગ હલતા ન જોયા હોત, તો પરિસ્થિતિ જુદી હોત. આ તો ઉપરવાળાની કૃપા છે કે દાદીને નવું જીવન મળ્યું.
નિષ્ણાતોના માનવા પ્રમાણે મોટી ઉંમરે ક્યારેક શરીરની ગતિવિધિઓ એકદમ ધીમી થઈ જાય છે. શ્વાસ અને નાડી એટલી ધીમી પડી જાય છે કે આપણને ભ્રમ થાય. આવી પરિસ્થિતિમાં ઉતાવળ કરવા કરતા મેડિકલ તપાસ જરૂરી હોય છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
