News of Thursday, 15th January 2026
વેનેઝુએલાના તેલ પર અમેરિકાનો કબજો: પ્રથમ $500 મિલિયનનું વેચાણ પૂર્ણ, ટ્રમ્પના અબજો ડોલરના રોકાણના પ્લાનથી તેલ બજારમાં હલચલ
રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાના ઊર્જા ક્ષેત્રમાં $100 બિલિયન ઠાલવવાની ટ્રમ્પની તૈયારી; તેલ કંપનીઓએ કાનૂની માળખા અને વળતર મુદ્દે વ્યક્ત કરી શંકા

વોશિંગ્ટન, તા. ૧૫ : લેટિન અમેરિકન દેશ વેનેઝુએલામાં સત્તા પલટા અને લશ્કરી કાર્યવાહી બાદ અમેરિકાએ હવે તેના કુદરતી સંસાધનો પર પકડ મજબૂત કરી છે. વહીવટી અધિકારીના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સે વેનેઝુએલાના તેલનું પ્રથમ સત્તાવાર વેચાણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેની કિંમત અંદાજે $૫૦૦ મિલિયન (રૂપિયા ૪,૧૦૦ કરોડથી વધુ) હોવાનું મનાય છે. આગામી દિવસોમાં આ વેચાણમાં મોટો વધારો થવાની સંભાવના છે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પદભ્રષ્ટ કરી કબજે કર્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ વેનેઝુએલાના વિશાળ તેલ ભંડારનો ઉપયોગ કરીને અમેરિકા અને વેનેઝુએલાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માંગે છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી તેલ ઉદ્યોગ વેનેઝુએલાના જર્જરિત ઊર્જા ક્ષેત્રને ફરીથી કાર્યરત કરવા માટે $૧૦૦ બિલિયનનું રોકાણ કરશે. જોકે, આ આંકડો કયા આધારે નક્કી થયો છે તે અંગે નિષ્ણાતોમાં ચર્ચા જાગી છે.
તેલ જાયન્ટ્સની અનિચ્છા: એક્સોનમોબિલનો જવાબ
ટ્રમ્પના આ આક્રમક પ્લાન સામે તેલ કંપનીઓએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતેની એક બેઠકમાં ExxonMobil ના CEO ડેરેન વુડ્સે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અત્યારે વેનેઝુએલામાં સીધું રોકાણ કરવું જોખમી છે. તેમણે કહ્યું કે, "રોકાણ પર કેવું વળતર મળશે તે સમજવા માટે મજબૂત કાનૂની અને વ્યાપારી માળખું હોવું જરૂરી છે." અન્ય કંપનીઓએ પણ અસ્થિર દેશમાં અબજો ડોલર જોખમમાં મૂકવા અંગે અનિચ્છા દર્શાવી છે.
ડિસ્કાઉન્ટ પર તેલનું વેચાણ
અહેવાલ મુજબ, અમેરિકા અત્યારે વેનેઝુએલાના ક્રૂડ ઓઇલને કેનેડા જેવા દેશોના તેલની સરખામણીએ નોંધપાત્ર ડિસ્કાઉન્ટ (સસ્તા ભાવે) ઓફર કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા ટેલર રોજર્સે આશા વ્યક્ત કરી છે કે તેલ કંપનીઓ સાથેની ચર્ચા હકારાત્મક દિશામાં છે અને વેનેઝુએલાના તેલ માળખાને પુનઃસ્થાપિત કરવા માટે અભૂતપૂર્વ રોકાણ કરવામાં આવશે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
