ઉત્તર પ્રદેશમાં આસ્થાનું ઘોડાપૂર: સીએમ યોગીએ ગોરખનાથ મંદિરે 'ખિચડી' ચઢાવી, પ્રયાગરાજ સંગમમાં ૮૫ લાખથી વધુ ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી
બ્રહ્મ મુહૂર્તમાં ગોરક્ષપીઠાધીશ્વરની વિશેષ પૂજા સાથે 'ખિચડી મેળા'નો પ્રારંભ; માઘ મેળામાં કડક સુરક્ષા વચ્ચે લાખો કલ્પવાસીઓ અને સાધુ-સંતોનો જમાવડો

પ્રયાગરાજ : દેશભરમાં આજે મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં આ પર્વનું વિશેષ મહત્વ જોવા મળ્યું હતું. ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરંપરાગત રીતે બાબા ગોરખનાથને શ્રદ્ધાની ખીચડી ચઢાવી જનકલ્યાણની પ્રાર્થના કરી હતી, જ્યારે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના તટ પર લાખો ભક્તોએ ઠંડી અને ધુમ્મસ વચ્ચે પવિત્ર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
ગોરક્ષપીઠમાં પરંપરાગત પૂજા અને ભવ્ય મેળો
ગોરક્ષપીઠાધીશ્વર તરીકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સવારે ૪:૦૦ વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં બાબા ગોરખનાથના ગર્ભગૃહમાં વિધિવત પૂજા-અર્ચના કરી હતી. તેમણે સૌથી પહેલી 'શ્રદ્ધાની ખીચડી' અર્પણ કરી દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા હતા. આ પ્રસંગે તેમણે પોતાના ગુરુ બ્રહ્મલીન મહંત અવેદ્યનાથ અને મહંત દિગ્વિજયનાથની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગોરખનાથ મંદિરે આયોજિત આ 'ખિચડી મેળા'માં યુપી ઉપરાંત બિહાર, દિલ્હી અને પડોશી દેશ નેપાળથી પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
સંગમ તટ પર ૮૫ લાખ ભક્તોનું મહાસ્નાન
બીજી તરફ, પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં શ્રદ્ધાનો દરિયો ઉમટ્યો છે. એસપી નીરજ પાંડેના જણાવ્યા અનુસાર, ગઈકાલ સુધીમાં અંદાજે ૮૫ લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું હતું અને આજે પણ વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો ચાલુ છે. ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર કલ્પવાસીઓ, નાગા સાધુઓ અને તપસ્વીઓ સાથે સામાન્ય નાગરિકોએ સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરી દાન-પુણ્ય કર્યું હતું.
કડક સુરક્ષા અને પોલીસ પેટ્રોલિંગ
ભારે ભીડ અને ગાઢ ધુમ્મસને જોતા પ્રયાગરાજ અને ગોરખપુરમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા સતત ડ્રોન અને પેટ્રોલિંગ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને સંગમ વિસ્તારમાં કોઈ ભક્ત ખોવાઈ ન જાય તે માટે 'ખોવાયેલા-પાયેલા' કેન્દ્રોને સક્રિય કરવામાં આવ્યા છે. ભક્તોની સુવિધા માટે ઘાટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કડકડતી ઠંડીમાં પણ ભક્તો સુગમતાથી સ્નાન કરી શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
