<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

'ડિજિટલ અરેસ્ટ'ના નામે થતી લૂંટ હવે નહીં ચલાવી લેવાય: બેંકો અને ટેલિકોમ કંપનીઓએ પણ ભોગવવી પડશે જવાબદારી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો મોટો ખુલાસો

છેતરપિંડી રોકવામાં બેદરકારી દાખવનાર સંસ્થાઓએ આપવું પડશે વળતર; RBI એ લોન્ચ કરી AI-આધારિત 'MuleHunter' સિસ્ટમ, ૨૩ બેંકોમાં અમલીકરણ શરૂ

નવી દિલ્હી : દેશમાં વધી રહેલા 'ડિજિટલ અરેસ્ટ' કૌભાંડો પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે હવે સીધો બેંકો અને ટેલિકોમ કંપનીઓ પર સકંજો કસ્યો છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા સુઓમોટુ કેસમાં ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય પેનલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો બેંકો કે ટેલિકોમ પ્રદાતાઓની બેદરકારીને કારણે કોઈ નાગરિક સાયબર છેતરપિંડીનો ભોગ બનશે, તો તે સંસ્થાઓને જવાબદાર ગણી તેમની પાસેથી વળતર વસૂલવામાં આવશે.
MHA ની 'સુપર પેનલ' મેદાનમાં
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રચાયેલી આ આંતર-વિભાગીય સમિતિમાં ગૃહ મંત્રાલય, IT મંત્રાલય, વિદેશ મંત્રાલય, RBI, CBI અને NIA જેવી દિગ્ગજ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પેનલનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદાકીય ખામીઓને દૂર કરી પીડિતોને ઝડપથી રાહત અપાવવાનો અને છેતરપિંડી કરનારાઓના નેટવર્કને તોડી પાડવાનો છે.
AI સાધનોથી છેતરપિંડી કરનારાઓ પર વોચ
RBI એ સમિતિને જાણ કરી છે કે બેંકોને હવે AI-આધારિત આધુનિક ટેકનોલોજી વાપરવા માટે આદેશ અપાયો છે. એક RTI જવાબ મુજબ, ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં દેશની ૨૩ મોટી બેંકોએ 'MuleHunter.AI' નામની અત્યાધુનિક સિસ્ટમ લાગુ કરી દીધી છે. આ સિસ્ટમ શંકાસ્પદ વ્યવહારો અને 'મ્યુલ એકાઉન્ટ્સ' (ભાડે આપેલા ખાતા) ને ઓળખી કાઢે છે, જેનાથી છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર થતા અટકાવી શકાય છે.
પીડિતોને વળતર આપવાની તૈયારી
અત્યાર સુધી સાયબર છેતરપિંડીમાં નાણાં ગુમાવ્યા બાદ પીડિતોએ ભટકવું પડતું હતું, પરંતુ હવે જો તપાસમાં બેંકની સિસ્ટમની ભૂલ અથવા ટેલિકોમ કંપની દ્વારા વગર વેરિફિકેશને અપાયેલા સિમ કાર્ડની બેદરકારી સાબિત થશે, તો તેમણે ગ્રાહકના નુકસાનની ભરપાઈ કરવી પડશે. આ નિર્ણયથી સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં મોટી ક્રાંતિ આવવાની સંભાવના છે.

(6:10 PM IST)