<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ટ્રમ્પની એઆઈ ચિપ્સ પર ડિજિટલ સ્ટ્રાઈક: અદ્યતન પ્રોસેસર્સ પર ૨૫% ટેરિફ ઝીંક્યો, ચીનને Nvidia વેચાણ માટે આપી શરતી મંજૂરી

રાષ્ટ્રીય સુરક્ષાના નામે અમેરિકાનો માસ્ટરસ્ટ્રોક; વિદેશી ચિપ્સ પરની નિર્ભરતા ઘટાડી સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત

વોશિંગ્ટન : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ચીન અને ગ્લોબલ સપ્લાય ચેઇન સામે આક્રમક આર્થિક યુદ્ધ શરૂ કરી દીધું છે. બુધવારે વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ, Nvidia ના H200 અને AMD ના MI325X જેવા અદ્યતન AI પ્રોસેસર્સ પર ૨૫% જેટલો મસમોટો ટેરિફ (આયાત ડ્યુટી) લાદી દેવામાં આવ્યો છે. આ પગલાથી ટેક જગતમાં ભારે હલચલ મચી ગઈ છે, કારણ કે આ ચિપ્સ આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પાયો છે.
અમેરિકા ફર્સ્ટ: નિર્ભરતા ઘટાડવાનો પ્લાન
ટ્રમ્પ વહીવટીતંત્રે આ નિર્ણય પાછળ 'રાષ્ટ્રીય સુરક્ષા' અને આર્થિક સ્વાવલંબનનો તર્ક આપ્યો છે. હાલમાં અમેરિકા તેની જરૂરિયાતની માત્ર ૧૦ ટકા ચિપ્સ જ સંપૂર્ણપણે પોતાના દેશમાં બનાવે છે, જ્યારે બાકીની ૯૦ ટકા માટે તે એશિયા અને અન્ય વિદેશી દેશો પર નિર્ભર છે. આ ટેરિફ દ્વારા ટ્રમ્પનો ઉદ્દેશ્ય ચિપ ઉત્પાદક કંપનીઓને અમેરિકાની ધરતી પર જ પ્લાન્ટ સ્થાપવા માટે મજબૂર કરવાનો છે, જેથી સપ્લાય ચેઇનનું જોખમ ઘટાડી શકાય.
ચીન માટે શરતી રાહત અને Nvidia ને ફાયદો
રસપ્રદ વાત એ છે કે, એક તરફ ટેરિફ લાદીને ભાવ વધારવામાં આવ્યા છે, તો બીજી તરફ Nvidia ને મોટી રાહત પણ મળી છે. અગાઉ ચીનને ચિપ વેચાણ પર જે સંપૂર્ણ પ્રતિબંધો હતા, તેમાં હવે ઢીલ આપવામાં આવી છે. Nvidia હવે ચીનને પસંદગીની એઆઈ ચિપ્સનું મર્યાદિત વેચાણ ફરી શરૂ કરી શકશે. આ નિર્ણયથી અમેરિકી સરકારને ટેરિફ દ્વારા મોટી આવક થશે અને Nvidia જેવી કંપનીઓનું ચીની માર્કેટ ફરી ખુલશે.
સ્ટાર્ટઅપ્સ અને ડેટા સેન્ટરોને મળશે મુક્તિ
જોકે, આ નિર્ણયથી અમેરિકાના પોતાના આંતરિક વિકાસને અસર ન થાય તે માટે કેટલીક છૂટછાટો પણ જાહેર કરાઈ છે. યુએસ ડેટા સેન્ટરો, ઉભરતા એઆઈ સ્ટાર્ટઅપ્સ અને જાહેર ક્ષેત્રના ઉપયોગ માટે મંગાવવામાં આવતી ચિપ્સને આ ૨૫% ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. નિષ્ણાતોના મતે, આ પગલું વૈશ્વિક સેમિકન્ડક્ટર માર્કેટમાં નવા સમીકરણો રચશે અને આગામી દિવસોમાં ચિપ્સના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

(6:10 PM IST)