News of Thursday, 15th January 2026
૩૦,૦૦૦ કરોડના વારસા વિવાદમાં નવો ભૂકંપ: પ્રિયા કપૂરના 'કોલ રેકોર્ડ્સ' ખોલી શકે છે પોલ, શું સંજય કપૂરનું વસિયતનામું નકલી છે?
સોગંદનામામાં ગુરુગ્રામમાં હાજર હોવાનો દાવો, પણ લોકેશન દિલ્હીનું મળ્યું; કરિશ્મા કપૂરના બાળકો અને ત્રીજી પત્ની વચ્ચેની કાનૂની લડાઈમાં 'ડિજિટલ પુરાવા' બન્યા માસ્ટરસ્ટ્રોક

નવી દિલ્હી : સોના કોમસ્ટારના વડા અને દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની વિશાળ સંપત્તિના વિવાદમાં એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા કપૂર દ્વારા રજૂ કરવામાં આવેલા વસિયતનામા (Will) ની વિશ્વસનીયતા પર હવે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અને કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDRs) સૂચવે છે કે જે દિવસે વસિયતનામા પર હસ્તાક્ષર થયા હતા, તે દિવસે પ્રિયા કપૂર ગુરુગ્રામમાં હાજર જ નહોતા.
મોબાઇલ લોકેશને વધારી મુશ્કેલીઓ
પ્રિયા કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં સોગંદનામું કરીને જણાવ્યું હતું કે ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ જ્યારે સંજય કપૂરે વસિયતનામાનો અમલ કર્યો, ત્યારે તે રૂબરૂ હાજર હતી. જોકે, ડિજિટલ રેકોર્ડ્સ મુજબ, તે દિવસે સવારે ૯.૨૨ થી સાંજના ૪.૩૦ વાગ્યા સુધી પ્રિયાનો ફોન નવી દિલ્હીના સેલ ટાવર સાથે જોડાયેલો હતો. આ વિરોધાભાસે કાનૂની વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે, કારણ કે આ ખોટી જુબાની (Perjury) અને દસ્તાવેજોમાં છેડછાડનો ગંભીર મામલો બની શકે છે.
કરિશ્મા કપૂરના બાળકોએ ઉઠાવ્યા હતા સવાલ
સંજય કપૂર અને તેમની ભૂતપૂર્વ પત્ની તથા અભિનેત્રી કરિશ્મા કપૂરના બાળકો, સમૈરા અને કિઆન વતી વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ પહેલેથી જ આ વસિયતનામાને પડકાર્યું છે. તેમણે દલીલ કરી છે કે વસિયતનામામાં નામની ખોટી જોડણીઓ, વ્યાકરણની ભૂલો અને મેટાડેટાના આધારે તે બનાવટી લાગે છે. આ દસ્તાવેજ સંજય કપૂરના નહીં પણ અન્ય કોઈના કોમ્પ્યુટર પર તૈયાર કરવામાં આવ્યો હોવાનો પણ ગંભીર આરોપ છે.
૭ વર્ષ સુધીની જેલની શક્યતા
કાનૂની નિષ્ણાતોના મતે, જો અદાલતમાં સાબિત થાય કે પ્રિયા કપૂરે સોગંદનામા પર ખોટું બોલીને ન્યાયતંત્રને ગેરમાર્ગે દોર્યું છે, તો તેમને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના વકીલોનું કહેવું છે કે વસિયતનામાની કાયદેસરતા માટે સાક્ષીઓની હાજરી અને પક્ષકારોની ભૌતિક હાજરી અનિવાર્ય છે. જો આ પાયો જ નબળો સાબિત થાય, તો ૩૦,૦૦૦ કરોડની સંપત્તિ પરનો તેમનો દાવો પણ ફગાવી દેવામાં આવી શકે છે. ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ પોલો મેચ દરમિયાન હૃદયરોગના હુમલાથી સંજય કપૂરનું નિધન થયું હતું, ત્યારથી આ હાઈ-પ્રોફાઈલ જંગ ચાલી રહી છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
