News of Thursday, 15th January 2026
હરિદ્વારમાં ધાર્મિક 'ચક્રવ્યૂહ': હર કી પૌરી પર હવે સરકારી અધિકારીઓ અને પત્રકારો પણ 'હિન્દુ' જ જોઈએ! ગંગા સભાની કડક માંગ
કુંભ મેળા વિસ્તારમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગે પકડ્યું જોર : 'અરબ શેખ'ના વેશમાં આવેલા હિન્દુ યુવાનોના વાયરલ વીડિયો બાદ ગંગા સભા લાલઘૂમ : મ્યુનિસિપલ કોર્પોરેશનના 1916ના નિયમોનો આપ્યો હવાલો

હરિદ્વાર: દેવભૂમિ ઉત્તરાખંડના પવિત્ર હરિદ્વારમાં હવે ધાર્મિક શુદ્ધિને લઈને એક મોટું આંદોલન છેડાયું છે. હર કી પૌરી અને આસપાસના ગંગા ઘાટોનું સંચાલન કરતી શક્તિશાળી સંસ્થા 'ગંગા સભા'એ હવે ખુલ્લેઆમ માંગ કરી છે કે કુંભ મેળા વિસ્તારમાં માત્ર પ્રવાસીઓ જ નહીં, પણ સરકારી અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ અને મીડિયા પર્સનલ પણ બિન-હિન્દુ ન હોવા જોઈએ. ગંગા સભાના પ્રમુખ નીતિન ગૌતમે જિલ્લા વહીવટીતંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ગંગાની પવિત્રતા અને સનાતન પરંપરા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સહન કરવામાં આવશે નહીં. આ માંગણીએ હવે વહીવટીતંત્ર અને સરકાર માટે ધર્મસંકટ ઉભું કર્યું છે.
આ વિવાદની આગ ત્યારે વધુ ભભૂકી જ્યારે તાજેતરમાં બે યુવાનો અરબ શેખના વેશમાં ઘાટ પર વીડિયો બનાવતા પકડાયા હતા. જોકે, તપાસ બાદ તેઓ હિન્દુ હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ આ ઘટનાએ ગંગા સભાને વધુ આક્રમક બનાવી દીધી છે. નીતિન ગૌતમનું કહેવું છે કે વેશ બદલીને આવતા લોકો પવિત્ર વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે 1916ના હરિદ્વાર મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂના નિયમોનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ એ કોઈ નવો વિચાર નથી, પરંતુ એક સ્થાપિત મર્યાદા છે જેનું પાલન બંધારણીય અધિકારો હેઠળ થવું જોઈએ.
ગંગા સભાએ હવે મીડિયા સંસ્થાઓને પણ વિનંતી કરી છે કે તેઓ આ પ્રતિબંધિત વિસ્તારોમાં રિપોર્ટિંગ માટે બિન-હિન્દુ પત્રકારોને ન મોકલે. આ ઉપરાંત, વહીવટીતંત્રને ઘાટ પર મોટા બોર્ડ લગાવવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડ સરકાર અત્યારે આ સંવેદનશીલ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહી છે, કારણ કે એક તરફ શ્રદ્ધાળુઓની આસ્થા છે અને બીજી તરફ વહીવટી માળખાની જટિલતાઓ. 2026ના આગામી ધાર્મિક કાર્યક્રમો પહેલા આ મુદ્દો કયું નવું સ્વરૂપ લે છે, તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
