<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ટ્રમ્પનો રશિયા-યુક્રેન યુદ્ધ પર મોટો ધડાકો: "પુતિન તો શાંતિ માટે તૈયાર છે, પણ ઝેલેન્સકી જ અડિંગો જમાવીને બેઠા છે"

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પનો સનસનાટીભર્યો ઇન્ટરવ્યુ; યુદ્ધ ન અટકવા માટે માત્ર યુક્રેનિયન રાષ્ટ્રપતિને જ જવાબદાર ઠેરવ્યા, પ્રાદેશિક છૂટછાટો મુદ્દે પેચ ફસાયો

વોશિંગ્ટન: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા ભીષણ જંગને રોકવા માટે અત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યસ્થી કરી રહ્યા છે. જોકે, આ શાંતિ પ્રયાસોમાં ટ્રમ્પનો સૂર બદલાયો હોય તેમ લાગે છે. બુધવારે ઓવલ ઓફિસમાં આપેલા એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આ યુદ્ધનો અંત લાવવા અને સોદો કરવા માટે તૈયાર છે, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી તે બાબતે ખચકાટ અનુભવી રહ્યા છે.
એક શબ્દમાં આપ્યો જવાબ: 'ઝેલેન્સકી'
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછીના આ સૌથી મોટા સશસ્ત્ર સંઘર્ષનો ઉકેલ કેમ નથી આવી રહ્યો? ત્યારે ટ્રમ્પે કોઈ પણ ખચકાટ વગર માત્ર એક જ નામ લીધું - "ઝેલેન્સકી." ટ્રમ્પના મતે, યુક્રેનિયન નેતા શાંતિ કરારની પ્રક્રિયાને પાટા પરથી ઉતારી રહ્યા છે. આ નિવેદન યુરોપિયન સાથી દેશો માટે આંચકા સમાન છે, કારણ કે તેઓ સતત રશિયાને આક્રમણખોર અને શાંતિનો વિરોધી ગણાવતા આવ્યા છે.
જમીન છોડવા મુદ્દે ફસાયો છે પેચ
અમેરિકા અત્યારે યુક્રેન પર એવું દબાણ કરી રહ્યું છે કે તે પૂર્વીય ડોનબાસ પ્રદેશ રશિયાને સોંપી દે, જેથી યુદ્ધ અટકે. જોકે, ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે યુક્રેનના બંધારણ મુજબ તેઓ દેશની એક ઈંચ જમીન પણ કોઈને આપી શકે નહીં. તેઓ રશિયા સાથે કોઈ પણ કરાર કરતા પહેલા પશ્ચિમી દેશો પાસે 'સુરક્ષા ગેરંટી'ની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં રશિયા ફરી હુમલો ન કરે.
દાવોસમાં થઈ શકે છે મુલાકાત
આવતા અઠવાડિયે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં યોજાનારા 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ'માં ટ્રમ્પ અને ઝેલેન્સકીની મુલાકાત થવાની શક્યતા છે. ટ્રમ્પે કહ્યું કે જો ઝેલેન્સકી ત્યાં હશે તો તેઓ ચોક્કસપણે તેમને મળશે. ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર પણ આ શાંતિ પ્રક્રિયામાં પડદા પાછળ સક્રિય છે. હવે જોવાનું એ રહેશે કે શું ટ્રમ્પના દબાણ હેઠળ યુક્રેન નમતું જોખશે કે પછી આ લોહિયાળ જંગ હજુ વધુ લંબાશે.

(7:35 PM IST)