<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

અમેરિકામાં ભારતીયો સામે 'નફરત'ની લહેર: ટ્રમ્પ સરકારના કડક વલણ વચ્ચે વોલમાર્ટ અને ફેડએક્સ જેવી કંપનીઓ હચમચી, શું જોખમમાં છે 'ઈન્ડિયન અમેરિકન્સ'?

સોશિયલ મીડિયા પર ભારતીયોને 'નોકરી ચોર' કહીને કરાયા ટાર્ગેટ; H-1B વિઝા પર નવા પ્રતિબંધો અને મોંઘી ફી બાદ વંશીય ટિપ્પણીઓમાં ૬૯% નો જંગી ઉછાળો

વોશિંગ્ટન: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશનના નિયમો કડક બનાવવામાં આવ્યા બાદ હવે તેની આડઅસર ભારતીય સમુદાય પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની મોટી કંપનીઓ જેવી કે ફેડએક્સ (FedEx), વોલમાર્ટ (Walmart) અને વેરાઇઝન (Verizon) માં કામ કરતા ભારતીયો અને તેમના ભારતીય મૂળના વડાઓ વિરુદ્ધ જાતિવાદ અને નફરતનું વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ભારતીય મૂળના સીઈઓ વિરુદ્ધ 'અમેરિકા ફર્સ્ટ'ના નામે ઝેરીલા પ્રચાર કરવામાં આવી રહ્યા છે.
સીઈઓ અને કામદારો નિશાના પર
તાજેતરમાં ફેડએક્સના ચીફ એક્ઝિક્યુટિવ રાજ સુબ્રમણ્યમ પર એવા પાયાવિહોણા આરોપો લગાવાયા કે તેઓ શ્વેત અમેરિકનોને કાઢીને ભારતીયોને નોકરી આપી રહ્યા છે. તેવી જ રીતે, વોલમાર્ટમાં ભરતી કરનારા ભારતીય મેનેજરોને દેશનિકાલ કરવાની માંગ પણ ઉઠી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટેક્સાસના ડલ્લાસ જેવા વિસ્તારોના વિડીયો શેર કરીને એવી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે કે "આ હવે અમેરિકા નથી રહ્યું, પણ ભારત બની ગયું છે."
હિંસાના જોખમમાં ૧૨ ટકાનો વધારો
એક અહેવાલ મુજબ, છેલ્લા એક વર્ષમાં દક્ષિણ એશિયાઈ લોકો સામે હિંસાના જોખમોમાં ૧૨ ટકા અને ઓનલાઇન અપશબ્દોના ઉપયોગમાં ૬૯ ટકાનો વધારો થયો છે. ટાર્ગેટેડ હેઈટના આ વાતાવરણમાં ટ્રમ્પના સાથી વિવેક રામાસ્વામી અને કાશ પટેલ જેવા નેતાઓ પણ બાકાત નથી રહ્યા. કાશ પટેલે જ્યારે દિવાળીની શુભેચ્છા પાઠવી ત્યારે તેમના પર પણ હિન્દુ વિરોધી ટિપ્પણીઓનો મારો ચલાવવામાં આવ્યો હતો.
વિઝાના નિયમોમાં ફેરફાર અને આર્થિક બોજ
ભારતીયો પ્રત્યેની આ નફરત પાછળ H-1B વિઝા સિસ્ટમમાં થયેલા ફેરફારો મુખ્ય કારણ માનવામાં આવે છે. અમેરિકામાં H-1B વિઝા ધારકોમાં ૭૧ ટકા ભારતીયો છે. ટ્રમ્પ સરકારે હવે આ વિઝા પર ૧૦૦,૦૦૦ ડોલર (આશરે રૂ. ૯૦ લાખ) ની તોતિંગ ફી લાદવાની જાહેરાત કરી છે. વધુમાં, ફેબ્રુઆરીથી માત્ર સૌથી વધુ પગાર ધરાવતા કામદારોને જ પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે. નિષ્ણાતો માને છે કે આ કડક કાયદાઓએ 'રાષ્ટ્રવાદ'ના નામે વંશીય ભેદભાવને વધુ પ્રોત્સાહન આપ્યું છે.

(7:38 PM IST)