News of Thursday, 15th January 2026
સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયાની 'સર્જિકલ સ્ટ્રાઈક': એક જ મહિનામાં ૫૦ લાખ એકાઉન્ટ્સ ડિલીટ, ૧૬ વર્ષથી નાની વયના બાળકો માટે પ્લેટફોર્મ્સ બંધ
ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને સ્નેપચેટ પર ગાજ પડી; વિશ્વનો પ્રથમ કાયદો જેણે ટેક જાયન્ટ્સને ઘૂંટણિયે પાડ્યા, નિયમો તોડનારી કંપનીઓને ₹૨૭૫ કરોડના દંડની જોગવાઈ

સિડની,: ઓસ્ટ્રેલિયામાં બાળકોના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે અમલમાં આવેલા 'સીમાચિહ્નરૂપ' કાયદાએ સોશિયલ મીડિયાની દુનિયામાં ભૂકંપ લાવી દીધો છે. કાયદો અમલમાં આવ્યાના માત્ર એક મહિનામાં અંદાજે ૫૦ લાખ (૫ મિલિયન) એકાઉન્ટ્સ કાં તો નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે અથવા તો કાયમી ધોરણે દૂર કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે આ પગલાને "વિશ્વનો પ્રથમ અને ઐતિહાસિક પ્રયાસ" ગણાવ્યો છે.
દંડની બીકે ટેક કંપનીઓ એક્શનમાં
આ નવા કાયદા હેઠળ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ અને રેડિટ સહિતના ૧૦ મોટા પ્લેટફોર્મ્સ માટે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓને રોકવા ફરજિયાત છે. જો કોઈ કંપની સગીર વયના બાળકોને હટાવવામાં "વાજબી પગલાં" લેવામાં નિષ્ફળ જાય, તો તેને ૪૯.૫ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ૩૩ મિલિયન યુએસ ડોલર) સુધીનો તોતિંગ દંડ થઈ શકે છે. મેટા (Meta) કંપનીએ સ્વીકાર્યું છે કે તેમણે કાયદો લાગુ થાય તે પહેલા જ ૫.૫ લાખ શંકાસ્પદ એકાઉન્ટ્સ સાફ કરી દીધા હતા.
કિશોરોમાં રોષ અને 'જુગાડ'
સરકાર ભલે આને સફળતા ગણાવતી હોય, પણ ઓસ્ટ્રેલિયન કિશોરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ૧૫ વર્ષીય જેક ઓકિલ, જે પોતાનું પોડકાસ્ટ ચલાવતો હતો, તેનું એકાઉન્ટ લોક થઈ જતાં તેણે કહ્યું, "સરકાર અમારી સાથે નાના બાળકો જેવું વર્તન કરે છે." ઘણા હોશિયાર કિશોરો હવે ઉંમર વિશે ખોટું બોલીને અથવા માતા-પિતાના આઈડીનો ઉપયોગ કરીને પ્રતિબંધને બાયપાસ કરવાના રસ્તાઓ શોધી રહ્યા છે. કેટલાક બાળકો હજુ પણ યુટ્યુબ અને રેડિટ જેવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
દુનિયા માટે 'બ્લુપ્રિન્ટ' બનશે આ કાયદો?
ઓસ્ટ્રેલિયાના ઈ-સેફ્ટી કમિશનર જુલી ઈનમેન ગ્રાન્ટે આ કાયદાની સરખામણી રોડ પરની 'સ્પીડ લિમિટ' સાથે કરી છે. તેમણે કહ્યું કે, "ગતિ મર્યાદા હોવા છતાં લોકો નિયમ તોડે છે, પણ તેનાથી રસ્તાઓ સુરક્ષિત તો બને જ છે." અત્યારે બ્રિટન, ફ્રાન્સ, ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ જેવી સરકારો પણ ઓસ્ટ્રેલિયાના આ પ્રયોગ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. જો આ સફળ રહેશે, તો આગામી સમયમાં વિશ્વના અન્ય દેશોમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયાના દરવાજા બંધ થઈ શકે છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
