<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ભારત-EU વેપાર જંગમાં મોટી સફળતા: ૨૪માંથી ૨૦ પ્રકરણો પર મહોર, પ્રજાસત્તાક દિને થઈ શકે છે ઐતિહાસિક 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ'ની જાહેરાત

૨૭ જાન્યુઆરીની સમિટ પહેલા વાટાઘાટો તેજ; યુરોપિયન નેતાઓ ભારતના મહેમાન બનશે ત્યારે આર્થિક સબંધોમાં રચાશે નવો ઈતિહાસ, ચીન-અમેરિકાના ટેરિફ વોર સામે ભારતનું 'વ્યૂહાત્મક કવચ'

નવી દિલ્હી : ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લગભગ બે દાયકાથી ચાલી રહેલી મુક્ત વેપાર કરાર (FTA) ની પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ કરારના કુલ ૨૪ પ્રકરણોમાંથી ૨૦ પ્રકરણોને સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી ૨૭ જાન્યુઆરીએ યોજાનારી ભારત-EU સમિટ પહેલા આ સોદો પૂર્ણ કરવા માટે બંને પક્ષોના વાટાઘાટકારો હવે "દિવસ-રાત" એક કરી રહ્યા છે.
પ્રજાસત્તાક દિવસ પરેડ અને 'ડીલ'નો સંયોગ
ભારતના આગામી પ્રજાસત્તાક દિવસ પરેડમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના છે. આ મુલાકાતને ભારત અને EU વચ્ચેના આર્થિક સંબંધો માટે "ટર્નિંગ પોઈન્ટ" તરીકે જોવામાં આવી રહી છે. સચિવ અગ્રવાલે ઉમેર્યું કે, "અમે વર્ચ્યુઅલ રીતે દૈનિક ધોરણે સંપર્કમાં છીએ જેથી બાકી રહેલા વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલી શકાય."
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતનું રક્ષણ
વર્ષ ૨૦૨૬ માં આ FTA પૂર્ણ કરવાની ઉતાવળ પાછળ વૈશ્વિક વેપારની સ્થિતિ જવાબદાર છે. અમેરિકા દ્વારા લાદવામાં આવતા નવા ટેરિફ અને ચીન સાથે વધતી વેપાર ખાધ વચ્ચે, યુરોપ સાથેનો આ સોદો ભારત માટે એક મજબૂત "આર્થિક કવચ" સાબિત થશે. ૨૦૨૪ માં ભારત અને EU વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૨૦ બિલિયન યુરો સુધી પહોંચ્યો હતો, જે આ કરાર બાદ અનેકગણો વધી શકે છે.
'મેક ઇન ઇન્ડિયા' ને મળશે વેગ
આ કરારથી ખાસ કરીને ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને મોટો ફાયદો થશે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ આશા વ્યક્ત કરી છે કે આ FTA "મેક ઇન ઇન્ડિયા" પહેલ માટે ઉત્્રેરક બનશે. તેનાથી ભારતીય કંપનીઓ યુરોપિયન સપ્લાય ચેઇનમાં સીધી રીતે જોડાઈ શકશે, જે લાખો નવી રોજગારીની તકો ઉભી કરશે.

(7:56 PM IST)